
સુરત, 30 એપ્રિલ (હિ.સ.) : શહેરના અમરોલી કોસાડ રોડ પર રહેતા ડોક્ટરને મોટા વરાછા વિસ્તારમાં રહેતો ઠગ બાજ ભેટી ગયો હતો. તેમણે ડોક્ટરને ઓલ પેનલ નામની ગેમ્સ એપ્લિકેશનમાં પૈસા રોકાણ કરાવી તેમાંથી પાંચ ટકા નફો અપાવવાની લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 9.16 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ પૈસા પડાવી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર ડોક્ટરે આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં જુનો કોસાડ રોડ પર આવેલ ધારા રેસીડેન્સીમાં રહેતા 42 વર્ષીય વિજયભાઈ મધુભાઈ કોઠારી ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ તેઓએ અમરોલી પોલીસ મથકમાં લલિત ગોવર્ધનભાઈ ગાંગાણી (રહે મોટા વરાછા) સામે રૂપિયા 9.16 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા લલિત ગાંગાણી તેમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેમણે વિજયભાઈને ઓલ પેનલ નામની ગેમ્સ એપ્લિકેશનમાં પૈસા રોકાણ કરી તેમાંથી પાંચ ટકા નફો આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ લલિત ગાંગાણીએ વિજયભાઈ પાસે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 9,16,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ એક પણ રૂપિયો પરત નહીં આપી લલિત ગાંગાણીએ છેતરપિંડી કરી હતી. જેથી વિજયને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે આ મામલે લલિત ગાંગાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે