
- 47 વર્ષીય દર્દીની ફિઓક્રોમોસાઇટોમાની દુર્લભ ગાંઠની સિવિલમાં સફળ લેપ્રોસ્કોપી સર્જરી
- અમદાવાદ સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટર્સે 21 વર્ષ બાદ ફરી ઉદભવેલી, ધમની અને આંતરડા સાથે ચોંટેલી ગાંઠ દૂર કરીને દર્દીને આપ્યું નવજીવન
અમદાવાદ, 30 એપ્રિલ (હિ.સ.) અમદાવાદની સિવિલ હોસ્પિટલ આજે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનું કિરણ સાબિત થઈ રહી છે.તાજેતરમાં હોસ્પિટલના યુરોલોજી અને એનેસ્થેશિયા વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ પોતાની કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ
પૂરું પાડતા એક અત્યંત જટિલ અને દુર્લભ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.
47 વર્ષીય નિતેશ વનાભાઇ નામના દર્દીના શરીરમાંથી ફિઓક્રોમોસાઇટોમા (Pheochromocytoma) નામની ગાંઠ લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા દૂર કરીને તેમને નવું જીવન બક્ષવામાં આવ્યું છે.
આ કેસની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ એકવાર દૂર કર્યા બાદ ફરી થવાની શક્યતા નહિવત હોય છે, તેમ છતાં નિતેશભાઈને 21 વર્ષ બાદ ફરીથી તે જ સ્થાને ગાંઠ થઈ હતી. વર્ષ 2005માં પણ તેમની આ જ તકલીફની સારવાર સિવિલ હોસ્પિટલમાં જ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી કમરના અસહ્ય દુખાવા અને અનિયંત્રિત બ્લડ
પ્રેશરની સમસ્યા સાથે જ્યારે તેઓ હોસ્પિટલ આવ્યા, ત્યારે સીટી સ્કેન અને પેટ સ્કેન દ્વારા 66x64 મી.મી. કદની મોટી ગાંઠનું નિદાન થયું હતું.
યુરોલોજી વિભાગના વડા ડો શ્રેણિક શાહના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્જરી અત્યંત પડકારજનક હતી કારણ કે ગાંઠ શરીરની મુખ્ય ધમનીઓ, શિરા અને આંતરડા સાથે જકડાયેલી હતી. ઓપરેશન દરમિયાન હોર્મોનલ અસંતુલનને કારણે બ્લડ પ્રેશરમાં સતત ચઢાવ-ઉતાર થતા હોવાથી એનેસ્થેશિયા ટીમની ભૂમિકા અત્યંત નાજુક અને મહત્વની રહી
હતી. લગભગ ચાર કલાકની સઘન મહેનત બાદ ડોક્ટરોએ કોઈ પણ મોટી ચીર-ફાડ વગર માત્ર લેપ્રોસ્કોપી દ્વારા આ ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી હતી.
યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો યુરોલોજી વિભાગ અત્યાર સુધીમાં 2363 જેટલી લેપ્રોસ્કોપી સર્જરી કરી ચૂક્યો છે, જેમાં 43 જેટલી એડ્રિનાલેક્ટોમિ સર્જરી લેપ્રોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જે યુરોલોજી વિભાગની આધુનિક સારવાર પદ્ધતિઓ અને તબીબી ક્ષમતાઓની સાબિતી આપે છે.
હાલ નિતેશભાઈની તબિયત સ્થિર છે, તેમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે અને તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ આ સફળતાને બિરદાવતા જણાવ્યું હતું કે, જે સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં આશરે 10 લાખ રૂપિયા જેટલો થતો હોય છે, તે અહીં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. આ સફળતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોની કુશળતા, ટીમવર્ક અને આધુનિક સારવાર પદ્ધતિઓનું ઉત્તમ ઉદાહરણ છે. સિવિલના તબીબોની આ મહેનતે સાબિત કર્યું છે કે આજે સરકારી તબીબી સંસ્થાઓમાં પણ વિશ્વસ્તરીય સારવાર સરળતાથી
ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ