
સોમનાથ,30 એપ્રિલ (હિ.સ.) પેન્શન મેળવતા સોમનાથ જિલ્લાના પેન્શનરોને પેન્શન શરૂ રાખવા માટે 1 મે થી 31 જુલાઇ સુધીમાં વાર્ષિક હયાતી ખરાઇ કરાવવી અનિવાર્ય છે.જે અંગે વિગતો આપતા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પેન્શનરોને દર વર્ષે તેમનું પેન્શન શરૂ રાખવા માટે બેંકમાં તેમની હયાતિની ખરાઇ કરવા માટે જવું પડે છે અથવા જીવન-પ્રમાણ એપ્લીકેશન દ્વારા ખરાઇ કરાવવી પડે છે.
વધુમાં એમણે ઉમેર્યું હતું કે, હયાતિ ખરાઇ કરાવવા બેંક અને જીવનપ્રમાણ એપ્લીકેશન સિવાય પેન્શનરોની ઘરઆંગણે હયાતિની ખરાઇ થઇ શકે તે માટે સરકારના નાણાં વિભાગ અને ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટસ્ બેંક વચ્ચે થયેલા એમ.ઓ.યુ. મુજબ પેન્શનરોને ડિજીટલ જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જ મળી રહે તે માટે તેમના વિસ્તારના પોસ્ટ વિભાગના પોસ્ટમેન તથા ગ્રામ ડાક સેવક દ્વારા 1 મી,2026 થી 31 જુલાઇ,2026 સુધી પેન્શનરોના ઘરે જઇને નિ:શુલ્ક હયાતિની ખરાઇ કરી આપવામાં આવશે.
પેન્શનરોએ પોસ્ટમેન દ્વારા હયાતિની ખરાઇ ઘરે બેઠા થઇ શકે તે માટે પેન્શન બુક, આધારકાર્ડ, ઓ.ટી.પી. માટે મોબાઇલ નંબર આપવાથી આ લાભ મળી શકશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત રાજ્યના આશરે 6 લાખ પેન્શનરોને આ લાભ ઘરે બેઠા જ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ