
સુરત, 30 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરના આંગણે આગામી ૧લી મેના રોજ 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે ૧લી મેના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સુરતના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથેની એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે.
આ આયોજનના ભાગરૂપે સુરત જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પરેડનું ફાઈનલ રિહર્સલ યોજાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧લી મેના રોજ યોજાનારી આ શાનદાર પરેડને નિહાળવા માટે તમામ સુરતવાસીઓને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે