
ક્રીટ (ગ્રીસ), નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). ઈઝરાયેલના સંરક્ષણ દળોએ રાહત સામગ્રી લઈને ગાઝા જઈ રહેલા જહાજોના એક મોટા કાફલાને ગ્રીક ટાપુ ક્રીટ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આગળ વધતા રોકી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના દૂત ડેની ડેનને આ વાતની પુષ્ટિ કરી છે. ડેની ડેનને એક્સ પર જણાવ્યું હતું કે, જહાજોના કાફલાને ઈઝરાયેલના વિસ્તારમાં પહોંચતા પહેલા જ રોકી દેવામાં આવ્યો છે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, દૂત ડેનને કહ્યું કે ઈઝરાયેલના સૈનિકોએ પૂરી મક્કમતાથી કામ કર્યું છે. આ દરમિયાન ફ્રીડમ ફ્લોટિલા જૂથ (ગ્લોબલ સુમુદ ફ્લોટિલા) એ ઈઝરાયેલની ચેતવણીનું રેકોર્ડિંગ જાહેર કર્યું છે. જૂથનું કહેવું છે કે, આ ચેતવણી તેમના ગાઝા જઈ રહેલા જહાજો માટે જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાહત સામગ્રી લઈને ગાઝા તરફ જવાનો કોઈપણ વધુ પ્રયાસ તમારી સુરક્ષાને જોખમમાં મૂકશે. ઈઝરાયેલની સેના પાસે કાયદેસરની દરિયાઈ સુરક્ષા નાકાબંધી લાગુ કરવા માટે તમામ વિકલ્પો ઉપલબ્ધ છે.
ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટીની કાયદેસરની દરિયાઈ સુરક્ષા નાકાબંધી તોડવાના પ્રયાસો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે. જો તમે માનવતાવાદી સહાય લઈ જઈ રહ્યા છો, તો તમને અશદોદ બંદર પર આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે, જ્યાં સહાયની સુરક્ષા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેને ગાઝા પટ્ટી મોકલી દેવામાં આવશે.
આ સંબંધમાં ગ્લોબલ સુમુદ ફ્લોટિલાના જનસંપર્ક અધિકારી ગુર ત્સબારે જણાવ્યું કે, ગાઝા જઈ રહેલા માનવતાવાદી સહાયના જહાજોના કાફલા પર ઈઝરાયેલનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે. તેમણે કહ્યું, આ આંતરરાષ્ટ્રીય જળસીમામાં સામાન્ય નાગરિકો પર સીધો હુમલો છે. ઈઝરાયેલથી સેંકડો માઈલ દૂર નિઃશસ્ત્ર નાગરિકોની નૌકાઓને ઘેરી લેવામાં આવી રહી છે અને બંદૂકની અણીએ ધમકાવવામાં આવી રહ્યા છે. આ જળસીમામાં ઈઝરાયેલનો કોઈ અધિકાર નથી. ત્સબારે વિશ્વભરની સરકારો પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કાફલામાં સામેલ 400 થી વધુ લોકોની સુરક્ષા અત્યંત જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની નાકાબંધી 2007 થી ચાલુ છે. જોકે 2008 પછી બે નૌકાઓ ઈઝરાયેલની નૌકાદળની નાકાબંધી તોડીને ગાઝા પહોંચવામાં સફળ રહી હતી, ત્યારથી સહાય લઈ જતી કોઈ પણ નૌકા ગાઝા પહોંચી શકી નથી. 2010 માં તો ઈઝરાયેલના કમાન્ડોએ આવો પ્રયાસ કરી રહેલા તુર્કીના 10 માનવાધિકાર કાર્યકરોની હત્યા કરી દીધી હતી. સીબીએસ ન્યૂઝ મુજબ 2 મે, 2025 ના રોજ ઈઝરાયલે ગાઝા પટ્ટી જઈ રહેલા આ જૂથના એક જહાજ પર માલ્ટાના કિનારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મધ્યરાત્રિએ ડ્રોન હુમલો કર્યો હતો. તેનાથી જહાજને મોટું નુકસાન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ