
કાઠમંડુ, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર, આજથી બે દિવસની સત્તાવાર મુલાકાતે નેપાળની રાજધાની કાઠમાંડુ પહોંચી રહ્યા છે. ગોર દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત પણ છે.
ગોર નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગ્લે, વિદેશ મંત્રી શિશિર ખનાલ, વિદેશ સચિવ અમૃત રાય સહિત અન્ય અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરે તેવી યોજના છે. જેમાં સત્તાધારી પક્ષના અધ્યક્ષ રવિ લામિછાને પણ સામેલ છે.
ગોરે, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે પણ મુલાકાત કરવાની વિનંતી કરી છે. જોકે, વડાપ્રધાને હજુ એ નક્કી કર્યું નથી કે તેઓ તેમને મળશે કે નહીં. 27 માર્ચના રોજ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતૃત્વમાં સરકારની રચના થયા બાદ ગોર નેપાળની મુલાકાત લેનારા સૌથી વરિષ્ઠ અમેરિકી અધિકારી હશે.
કાઠમંડુ સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે, ગોરની આ મુલાકાત દરમિયાન વોશિંગ્ટન દ્વારા નેપાળની નવી સરકારને સમર્થન આપવા અને રોકાણને પ્રોત્સાહન આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ તે માટે જરૂરી કાયદાકીય સુધારાઓ લાગુ કરવા અનિવાર્ય છે.
ગોર હાલમાં ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે કાર્યરત છે અને તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી માનવામાં આવે છે. રાજદૂતની ભૂમિકા ઉપરાંત તેમને દક્ષિણ અને મધ્ય એશિયા માટે વિશેષ દૂતની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
અગાઉ સામાન્ય રીતે વિદેશી રાજદ્વારીઓ, પછી ભલે તેમનો હોદ્દો ગમે તે હોય, નેપાળના ટોચના નેતૃત્વ—જેમાં વડાપ્રધાનનો પણ સમાવેશ થતો હતો—સાથે મુલાકાત કરતા હતા. પરંતુ વર્તમાન સરકાર હેઠળ આ પરંપરા બદલાતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શાહે 20 એપ્રિલથી ત્રણ દિવસીય નેપાળ પ્રવાસે આવેલા સમીર પોલ કપૂરને મળવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ