
રાજપીપલા,30 એપ્રિલ (હિ.સ.) નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે આયોજિત બે દિવસીય “ભારતીય ભાષા સંગમ 2.0” કાર્યક્રમના બીજા દિવસે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંઘ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમેશ પોખરિયાલએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
“ભારતીય ભાષાઓમેં શિક્ષા, શોધ ઓર નવાચાર : વિકસિત ભારત કે આધાર” વિષયક પોતાના સંબોધનમાં હરિવંશએ જણાવ્યું કે, એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરણાસ્થળ એકતાનગરમાં યોજાયેલો આ કાર્યક્રમ ભાષાકીય રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે. પત્રકારિતા અને લેખન ક્ષેત્રની પૃષ્ઠભૂમિ ધરાવતા હરિવંશએ ભારતીય પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને વર્તમાન સંશોધનોને સાહિત્ય સ્વરૂપે રજૂ કરી સમાજ સુધી પહોંચાડવા સાહિત્યસર્જકોને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) અંતર્ગત પ્રાદેશિક ભાષાઓને મહત્વ આપવામાં આવ્યું છે, જે ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે. ભારતીય ભાષાઓ વિકસિત ભારતના નિર્માણમાં કેવી રીતે આધારરૂપ બની શકે તે અંગે પણ તેમણે વિવિધ ઉદાહરણો સાથે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.
આગળ “વિકાસના ભારતીય પ્રતિમાન અને ભારતીય ભાષાઓમાં નિહિત જ્ઞાન પરંપરા” વિષયક સત્રમાં વિવિધ પ્રાંતના યુનિવર્સિટીના કુલપતિઓ, અધ્યાપકો અને સાહિત્યસર્જકોએ પોતાના વિચારો રજૂ કરી ભાષાઓના પ્રભાવ અને દેશના વિકાસમાં તેમના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
“ભાષા કી એકતા, એકતા કી ભાષા”ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમ્યાન ભાષા પ્રદર્શન, સંવાદ સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શૈક્ષણિક ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્વાનો અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના 40 પ્રાંતોની 22 ભાષાઓના 200થી વધુ સાહિત્યકારો, અધ્યાપકો અને ભાષાપ્રેમીઓ જોડાયા હતા. કાર્યક્રમના બીજા દિવસે મધ્યપ્રદેશના પૂર્વ શિક્ષણ મંત્રી અશોક બાજપાઈ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં તેમજ ડૉ. આર.એસ. રાજુ સહિત અનેક મહાનુભાવો, અધ્યાપકો, શિક્ષકો અને ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ