
જામનગર, 05 એપ્રિલ (હિ.સ.) : રાજકોટ રેન્જ પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા આશરે રૂ. 8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ. 10,000ના ઇનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાથી 'ઓપરેશન નાસતા-ફરતા' હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુના આચરી ફરાર રહેલા ગુનેગારોને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જામનગર પોલીસ અધિક્ષક દ્વારા ઇનામ જાહેર કરાયેલા આરોપીઓને ઝડપી પાડવા અગ્રતા આપવાની સૂચના અપાઈ હતી.
રાજકોટ રેન્જ પી.આઈ. આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. સ્ટાફના કાસમ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મિતેશ પટેલ અને કમલેશ રબારીને આરોપીના લોકેશન અંગે સચોટ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દાહોદ હાઈવે પર રાબડાલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીનું નામ ભુવાનસિંગ રાયસિંગ વસુનિયા (રહે. મધ્યપ્રદેશ) છે. તેણે અન્ય સાગરીતો સાથે મળીને વર્ષ 2021માં (પંચકોષી બી-ડિવિઝન ગુ.ર.નં. 112/21) વાડીમાં સૂતેલા ફરિયાદી અને સાક્ષીઓને માર મારી રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 8.50 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં તે છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો અને જામનગર પોલીસે તેના પર રૂ. 10,000નું ઇનામ જાહેર કર્યું હતું.
આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમ બ્લોચ, સંદીપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશિક, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મિતેશ, કમલેશ અને ડ્રાઈવર દિનેશ ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt