ભાજપના સ્થાપના દિવસ અન્વયે ગાંધીનગર ખાતે ભાજપાનો ધ્વજ લગાવતા મુખ્યમંત્રી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ
ગાંધીનગર, 06 એપ્રિલ (હિ.સ.) : આજે ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૭ માં સ્થાપના દિન નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા
પ્રદેશ કાર્યાલય


ગાંધીનગર, 06 એપ્રિલ (હિ.સ.) : આજે ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૭ માં સ્થાપના દિન નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવ્યો હતો. તેઓએ આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય સ્થિત ભારતમાતા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ માહિતી ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ એ જણાવી.

ધ્વજારોહણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે જનસેવા કરવાનું માધ્યમ છે. તેમણે ભૂતકાળના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, માત્ર બે બેઠકો હોવા છતાં ભાજપ ક્યારેય વિચલિત નથી થઈ, કારણ કે આપણો જુસ્સો અને વિચારધારા અડગ છે. વિપક્ષો દ્વારા કરવામાં આવેલી અનેક હેરાનગતિઓ છતાં ભાજપ હંમેશા પોતાની વિકાસની રાજનીતિને વરેલી રહી છે. ભાજપાનો કાર્યકર માત્ર ચુંટણી માટે નહિ, રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કાર્ય કરે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આજે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ અને તિરંગો લહેરાઈ રહ્યો છે તે અનેક કાર્યકર્તાઓના લોહી-પરસેવાનું પરિણામ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતથી જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી, તેને આજે સમગ્ર દેશ અને દુનિયાએ સ્વીકારવી પડી છે. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, જેટલું બોલવું એટલું કરવું અને જેટલું કરવું તેટલું જ બોલવું એ ભાજપની કાર્યશૈલી રહી છે અને તેના કારણે જ જનતાનો ભરોસો સતત વધી રહ્યો છે.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમા જણાવ્યું હતું કે, આજે આપણે માત્ર ભાજપાનો સ્થાપના દિવસ નથી ઉજવી રહ્યા, પરંતુ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના સંકલ્પનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ૧૯૫૧માં ભારતીય જનસંઘથી શરૂ થયેલી આપણી આ સફર માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહીની શક્તિને કારણે આજે વિશાળ વટવૃક્ષ બની છે. તેમણે પક્ષને સીંચનારા એ તમામ મહાનુભાવોને નમન કર્યા જેમણે પોતાનું લોહી આપીને આ મજબૂત સંગઠનને ઊભું કર્યું છે. ૧૯૫૨માં નહેરુજીએ ‘આઈ શેલ ક્રશ જનસંઘ' કહી જનસંઘને કચડી નાખવાની વાત કરી હતી, ત્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ગર્જના કરી હતી કે, વી વીલ ક્રશ યોર ક્રશિંગ મેન્ટાલિટી (અમે તમારી વિધ્વંસક વૃત્તિનો વિનાશ કરીશું). કાશ્મીર માટે એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલેના સૂત્ર સાથે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ શહાદત વહોરી હતી. તેમના રકતથી સિંચાયેલ જનસંધનું બીજ આજે ભાજપાના સ્વરૂપમાં વટવૃક્ષ બની સમગ્ર દેશમાં ફેલાયું છે.

વિશ્વકર્માએ ઈતિહાસને વાગોળતા કહ્યું કે, ૨૬ જૂન ૧૯૭૫ના રોજ લાદવામાં આવેલી કટોકટી સામે લડવા જનસંઘે દેશહિત માટે જનતા મોરચામાં વિલીન થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જ્યારે વિચારધારા અને સંઘની સદસ્યતા છોડવાની વાત આવી, ત્યારે સત્તાનો ત્યાગ કરી રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપ્યું હતું. ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈના દરિયાકિનારે અટલ બિહારી વાજપેયીજીએ કરેલી ભવિષ્યવાણી કે, અંધેરા છટેગા... સૂરજ નિકલેગા... કમલ ખીલેગા આજે સાચી ઠરી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના 'એકાત્મ માનવવાદ' અને 'અંત્યોદય'ના માર્ગે ચાલતો આ પક્ષ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિની પંચનિષ્ઠાઓને વરેલો છે.

તેમણે જણાવ્યું કે, ૧૯૮૪માં માત્ર ૨ બેઠકોથી શરૂઆત કરનાર ભાજપની મજાક ઉડાવતા કોંગ્રેસે 'હમ દો-હમારે દો'નો નારો આપ્યો હતો, પરંતુ જનતાના આશીર્વાદથી ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં અટલજીના નેતૃત્વમાં શાસન અને ત્યારબાદ ૨૦૧૪થી નરેન્દ્રભાઈ મોદીના કરિશ્માઈ નેતૃત્વમાં ભાજપે સતત વિજયધ્વજ લહેરાવ્યો છે. ૨૦૧૪માં ૨૮૨ બેઠકો, ૨૦૧૯માં ૩૦૦થી વધુ બેઠકો અને ૨૦૨૪માં ૨૪૦ બેઠકો સાથે ભાજપે વિક્રમ સ્થાપ્યો છે. ગુજરાતમાં ૨૭ વર્ષના શાસન બાદ પણ ૫૨.૫૦% મત અને ૧૫૬ બેઠકો મેળવવી એ કાર્યકર્તાઓના પરિશ્રમનું પરિણામ છે. આજે દેશના ૨૦ થી વધુ રાજ્યોમાં ભાજપ-NDAની સરકારો સુશાસન આપી રહી છે.

અંતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા બદલ આકરા પ્રહાર કરતા શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, જે ધરતીએ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઈ શાહ જેવા સપૂત આપ્યા છે તે ધરતીનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે. આવી હલકી માનસિકતા ધરાવતા લોકોને સાડા છ કરોડ ગુજરાતીઓ જડબાતોડ જવાબ આપતા આવ્યા છે અને આપશે. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે કાર્યરત રહી તમામ સ્થાનોએ ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રી ડો. પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ પદાધિકારીઓ, અગ્રણીઓ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષભાઇ દવે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande