
સુરત, 06 એપ્રિલ (હિ.સ.) શહેરના પાંડેસરા વિસ્તારમાં શ્રીરામ નગર સોસાયટી પાસે મિત્રો સાથે જમવા ગયેલા યુવક પર પાંડેસરામાં જ રહેતા યુવકે હુમલો કર્યો હતો. નજીવી બાબતની બોલાચાલીમાં તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેનું ચપ્પુ કાઢી યુવકને ઘા મારી દીધો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે યુવકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો એવી છે કે મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની અને સુરતના પાંડેસરા વિસ્તારમાં રામનગર પાસે આવેલ સ્વામિનારાયણ નગર સોસાયટીમાં રહેતો વિક્રમ ગૌતમ પ્રધાન ગત તારીખ 5/4/2026 ના રોજ તેના મિત્રો સાથે પાંડેસરામાં આવેલ શ્રી રામ નગર સોસાયટીમાં નંદઘર પાસે મહાપ્રસાદ માટે ગયો હતો. આ સમયે પાંડેસરામાં ભીડભંજન સોસાયટી પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતો કુમાર બીસોઈ નામના યુવકે વિક્રમ સાથે ઝઘડો કર્યો હતો. કુમાર બીસોઈએ વિક્રમને ધક્કા ક્યુ માર રહા હે તેમ કહી તેની સાથે બોલાચાલી કરી એલ ફેલ ગાળો આપી હતી અને ઝપાજપી કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેનું ચપ્પુ કાઢી વિક્રમ પ્રધાનને સાથળના ભાગે ઘા મારી દીધો હતો. જેથી આખરે તે લોહી લુહાણ થઈ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે પાંડેસરા પોલીસે કુમાર બિછોઈ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે