
સુરત, 06 એપ્રિલ (હિ.સ.): સુરતના સચિન વિસ્તારમાં રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો, જેમાં એક બાઈક પર સવાર પરિવારના ત્રણ સભ્યોને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. વાંજ ગામ નજીક બનેલી આ ઘટના સમયે ટ્રક ખૂબ જ ઝડપમાં આવી રહી હતી, જેના કારણે ડ્રાઈવર નિયંત્રણ ગુમાવી બેઠો અને બાઈક સવારો રસ્તા પર પટકાયા હતા. અકસ્માતની અસર એટલી ભયાનક હતી કે બાઈક સંપૂર્ણ રીતે નુકસાન પામી ગઈ.
આ અકસ્માતમાં 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેણીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સાથે સવાર તેની માતા હંસાબેન તથા અન્ય એક પરિવારજનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તરત જ મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા.
ટક્કર બાદ ટ્રકચાલકે વાહન રોકવાની જગ્યાએ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે આ ઘટના હિટ એન્ડ રન તરીકે નોંધાઈ છે. આ બનાવને કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસે ફરાર ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને CCTV ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે