

કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : કંડલા પોર્ટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ અને સુરક્ષિત બનાવવા માટે ટ્રાફિક ગાર્ડને વિશેષ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોર્ટ પ્રશાસન દ્વારા સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે ટ્રાફિક ગાર્ડની ભૂમિકા વધુ જવાબદારીસભર બની છે.
માર્ગદર્શનમાં સ્પષ્ટ કરાયું છે કે ટ્રાફિક ગાર્ડ માત્ર નિયમો અમલમાં મૂકનાર નહીં પરંતુ લોકોમાં સલામતી અંગે જાગૃતિ લાવનાર તરીકે પણ કાર્ય કરશે. વાહનચાલકો અને કામદારોને ડર બતાવવાને બદલે તેમને સમજાવીને, યોગ્ય માર્ગદર્શન આપી અને સકારાત્મક વલણ દ્વારા સલામત વ્યવહાર તરફ પ્રેરિત કરવાનો ભાર મૂકાયો છે. પોર્ટ વિસ્તારમાં રોજિંદી અવરજવર દરમિયાન ટ્રાફિક ગાર્ડે સલામતીના નિયમોનું કડક પાલન કરાવવાનું રહેશે. સાથે સાથે, અન્ય લોકો પણ આ નિયમોનું પાલન કરે તે માટે પ્રેરણા આપવી તેમની ફરજનો મહત્વપૂર્ણ ભાગ ગણાશે.
પ્રશાસન દ્વારા જણાવાયું છે કે જો સમજાવટ અને માર્ગદર્શન છતાં કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કાયદેસર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી 10મી તારીખથી સત્તાવાર રીતે અમલમાં આવશે, જેથી તમામ લોકો સમયસર નિયમોનું પાલન શરૂ કરે.
આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ પોર્ટ વિસ્તારમાં સલામતીની મજબૂત સંસ્કૃતિ વિકસાવવાનો છે. ટ્રાફિક ગાર્ડને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી કંડલા પોર્ટમાં સલામત, વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar