
અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા-પંચાયત માટે ચોથી યાદીમાં 724 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા ચૂંટણી યોજાવાની છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ એક્ટિવ બની ગયું છે. જેમાં કોંગ્રેસે ભાજપ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ પૈકી કેટલાક વોર્ડ અંગેના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ અમદાવાદના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
ખાસ કરીને પાલડીના વોર્ડ નં. 30 વિસ્તારમાં લઘુમતી ઉમેદવારને સ્થાન આપવા મામલે વિવાદ છેડાયો છે.
જે અંગે એલિસબ્રિજ બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહે આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં વ્યંગાત્મક રીતે લખ્યું હતું કે, વાહ રે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર. આ સાથે જ તેમણે મક્કમતાપૂર્વક જાહેર કર્યું છે કે આ વિસ્તારમાં અશાંતધારાનો કડક અમલ કરવામાં આવશે અને તે પણ ડંકાની ચોટ પર કરવામાં આવશે.
એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પાલડી વોર્ડમાં 73 હજારથી વધારે હિન્દુ મતદારો અને 4200 જ મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમ સમાજના મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસે એક મેસેજ આપ્યો છે કે, અમે તમારી સાથે જ છીએ અને પાલડીને જુહાપુરા બનાવવાના છે. જમાલપુરથી જુહાપુરા વાયા પાલડી વાસણા કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ