
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનસીલ વિસ્તારમાં મધરાત્રે કોમ્બિંગ હાથ ધરાયું હતું.
જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ ગત રાત્રિ કોમ્બિંગ યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ વી.આર.ગામેતી, પીએસઆઇ એમ.એન.રાઠોડ સહિત સ્ટાફ દ્વારા શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચીની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકો ના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ કરાયું હતું.
વધુમાં ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 12 થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એચ.ચોવટ સહિત સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ વાળા 11 વાહનચાલકો ઝપટે ચડ્યા હતા.
સાથે જ નંબર પ્લેટ વગરના 2 અને સીટબેલ્ટ અને વાહનના કાગળો વગરના નીકળેલા સહિતના 3 કેસ મળી તમામ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરી 9500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ 6 ઇ ચલણ અપાયા હતા. પોલીસની ચેકીંગ કાર્યવાહીને લઈ નિયમ નેવે મૂકી વાહન ચલાવતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt