ગીર સોમનાથ સભા-સરઘસ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું
ગીર સોમનાથ સભા-સરઘસ અંગે જાહેરનામું
ગીર સોમનાથ સભા-સરઘસ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું


સોમનાથ 8 એપ્રિલ (હિ.સ.) રાજયના ચૂંટણી પંચ તરફથી 1 એપ્રિલ થી પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં 26 એપ્રિલ,2026 ના રોજ જિલ્લા-તાલુકા પંચાયતો અને વેરાવળ-પાટણ, ઉના, સૂત્રાપાડા અને તાલાલા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. જેના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ અને સભા-સરઘસ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામા અનુસાર જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી તેમજ પરવાનગીની શરતોને આધિન સવારના 8 થી રાતે 10 કલાક સુધી જાહેર જનતાને નુકસાન ન થાય તેમ વગાડવાનું રહેશે. શૈક્ષણિક-ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલા હોય અને સરકારી કે અર્ધ સરકારી કચેરીઓની કામગીરીમાં દખલગીરી ન થાય તેમ ધીમા અવાજે વગાડવાનું રહેશે. ચૂંટણી પ્રચાર માટે ફરતા વાહન પર લાઉડ સ્પીકરની મંજૂરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ મેળવવાની રહેશે.

સભા-સરઘસના જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પરવાનગી વગર કોઈપણ સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન માટે મનાઈ હૂકમ ફરમાવવામાં આવ્યો છે. સરઘસમાં સ્ફોટક પદાર્થો લઈ જવા, પેટાવેલી મશાલ, વ્યક્તિઓ અથવા શબ-આકૃતિઓ અથવા પૂતળા બતાવવા, શસ્ત્ર-દંડા, તલવાર-ભાલા જેવા હથિયારો તેમજ લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

સુરુચી તેમજ નીતિ તથા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલી આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા ચિત્રો, જાહેરાત-પોસ્ટર્સ તેમજ જાહેર સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ, ચાળા પાડવાનું કે નકલ કરવાના કૃત્યની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ તેમજ ચૂંટણી અંગે આચારસંહિતાની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande