
અમરેલી, 01 મે (હિ.સ.) :
અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આંગણવાડી બહેનોની પોષણક્ષમ તાલીમ દરમિયાન મધમાખીઓએ અચાનક હુમલો કરતા લગભગ 25 જેટલી મહિલાઓને ડંખ વાગ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, કુંકાવાવ ખાતે આવેલા બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આંગણવાડી બહેનો માટે પોષણ સંબંધિત તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન મંદિર નજીક આવેલા લીમડાના વૃક્ષ પર આવેલ મધમાખીઓનું પોડું અચાનક નીચે પડી ગયું, જેના કારણે મધમાખીઓ ઉશ્કેરાઈ ગઈ અને ત્યાં હાજર બહેનો પર હુમલો કરી દીધો. આ અચાનક બનેલી ઘટનાથી હાજર બહેનોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોતાને બચાવવા માટે મહિલાઓ ઇधर-ઉધર દોડતી જોવા મળી હતી, પરંતુ તે દરમિયાન લગભગ 25 જેટલી આંગણવાડી બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. કેટલાકને વધુ ડંખ લાગતા તેઓને ચક્કર, દુખાવો અને બેચેની અનુભવાઈ હતી.
ઘટનાની જાણ થતા તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને કુંકાવાવના નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. હાલ તમામ બહેનો સારવાર હેઠળ છે અને તબીબો દ્વારા તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
ગીરકાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ, શહેરોમાં શેરીના શ્વાનો અને હવે ગ્રામ્ય વિસ્તારોમાં મધમાખીઓના વધતા હુમલાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ આવા બનાવો અટકાવવા માટે સાવચેતીના પગલાં અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai