

કચ્છ, 01 મે (હિ.સ.) : ભુજના ઐતિહાસિક પ્રાગમહેલે ગુરુવારે એક એવો વિરલ અને ગૌરવસભર પ્રસંગ જોયો કે જેમાં કચ્છની રાજવી પરંપરા, સામાજિક સંવેદના, સંસ્કૃતિપ્રેમ અને માનવતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના જન્મદિવસના પવિત્ર અવસરે યોજાયેલા ભવ્ય સમારંભમાં કચ્છ રાજપરિવારે પ્રથમવાર ભુજના પાંચ ગૌરવશાળી મહાનુભાવોને ‘કચ્છ રાજ્ય રત્ન’ સન્માનથી નવાજી નવી પરંપરાનો શ્રીગણેશ કર્યો હતો. સાથે જ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ માટે રૂપિયા 1.12 કરોડથી વધુના દાનની જાહેરાત અને 100 દિવ્યાંગ બાળકોના રોજિંદા ભોજનની જવાબદારી સ્વીકારી રાજપરિવારે સમાજસેવાનો ઉદાર સંદેશ આપ્યો હતો.
પ્રાગમહેલના રાજવી આંગણે યોજાયેલા આ સમારંભમાં ઉપસ્થિત મહેમાનોને કચ્છની ગૌરવશાળી ઐતિહાસિક પરંપરાની સાક્ષી બનવાનો અવસર મળ્યો હતો. કચ્છનું નામ દેશ-વિદેશમાં ઉજ્જવળ કરનાર અને કચ્છની સંસ્કૃતિ, સાહિત્ય, કલા, સમાજસેવા તથા લોકવારસાને જાળવી રાખવામાં વિશેષ યોગદાન આપનાર પાંચ મહાનુભાવોને ‘કચ્છ રાજ્ય રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન અંતર્ગત કચ્છ રાજ્યકાળની કચ્છી કોરીથી નિર્મિત વિશિષ્ટ મોમેન્ટો શિલ્ડ, શાલ અને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરી તેમને રાજવી ગૌરવ સાથે બિરદાવવામાં આવ્યા હતા.
સન્માન પામનાર મહાનુભાવોમાં અમીબેન શ્રોફ, જયેન્દુ શુક્લ, જુગલકિશોર તિવારી, પદ્મશ્રી નારાયણ જોશી અને હસમુખ મચ્છરનો સમાવેશ થયો હતો. વિવિધ ક્ષેત્રોમાં દાયકાઓથી અવિરત કાર્ય કરીને કચ્છની ઓળખને જીવંત રાખનાર આ તમામ પ્રતિભાઓને મળેલા આ રાજવી સન્માને સમગ્ર સમારંભમાં ગૌરવની લાગણી છલકાવી દીધી હતી. રાજપરિવાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે દર વર્ષે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં રહી કચ્છી સંસ્કૃતિ, કલા, હસ્તકલા, સાહિત્ય અને સામાજિક સેવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને શોધી ‘કચ્છ રાજ્ય રત્ન’થી નવાજવામાં આવશે. રાજપરિવારની આ પહેલને સમગ્ર દેશમાં પ્રથમ અને અનોખી માનવામાં આવી રહી છે.
સમારંભ દરમિયાન મહારાણી પ્રીતિદેવી દ્વારા સમાજઉત્થાન માટે ઉદાર હાથે દાનની વર્ષા કરવામાં આવી હતી. વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂપિયા 1.12 કરોડથી વધુની સહાય જાહેર કરતાં તેમણે જણાવ્યું હતું કે કચ્છની ધરતી પર સંસ્કૃતિ સાથે શિક્ષણ અને સેવા પણ સમાન રીતે ફૂલેફાલે તે રાજપરિવારની જવાબદારી છે. જાહેર કરાયેલ દાનમાં શ્રી શારદા સંસ્કૃતિ ટ્રસ્ટને રૂપિયા 51 લાખ, શ્રી અંજાર શહેર ક્ષત્રિય સમાજને રૂપિયા 25 લાખ, શ્રી અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સેવા ટ્રસ્ટને રૂપિયા 20 લાખ, માનવ જ્યોત સંસ્થાને રૂપિયા 11 લાખ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પપ્પી કડલને રૂપિયા 5 લાખની સહાયનો સમાવેશ થાય છે. રાજપરિવારની આ દાતાશાહી જાહેરાતને ઉપસ્થિત મહેમાનો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી.
કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે સર્જાઈ હતી જ્યારે મહારાણી પ્રીતિદેવીએ રાજપરિવાર દ્વારા 100 દિવ્યાંગ બાળકો માટે દરરોજ ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની માનવતાવાદી જાહેરાત કરી હતી. આ નિર્ણય સાથે રાજપરિવારે માત્ર સન્માન અને દાન પૂરતું નહીં પરંતુ સીધો માનવસેવાનો માર્ગ અપનાવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. દિવ્યાંગ બાળકો માટેની આ ભોજન વ્યવસ્થા અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.
આ અવસરે રાજપરિવાર તરફથી જણાવાયું હતું કે કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને માનવતાને જીવંત રાખવી એ જ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને સાચી શ્રદ્ધાંજલિ છે. શિક્ષણ, સેવા અને સંસ્કૃતિના સંગમરૂપ આ સમારંભે કચ્છના રાજપરિવારની છબી ફરી એકવાર માત્ર ઐતિહાસિક વારસાના રક્ષક તરીકે નહીં, પરંતુ આધુનિક સમાજના સંવેદનશીલ માર્ગદર્શક તરીકે ઊભી કરી છે. ભુજના પ્રાગમહેલમાંથી શરૂ થયેલી ‘કચ્છ રાજ્ય રત્ન’ની આ નવી પરંપરા હવે કચ્છની અસ્મિતા અને કચ્છી પ્રતિભાના સન્માનનું પ્રતીક બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar