
ભાવનગર, 01 મે (હિ.સ.) : ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની આખરી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ જોવા મળે છે, જ્યારે લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગરમીના કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્રમિક વર્ગ વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. તીવ્ર તડકાને કારણે ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને થાક જેવી તકલીફોમાં વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલોમાં પણ ગરમી સંબંધિત બીમારીઓના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં ઠંડા પીણાં, છાસ, લીમડું પાણી અને આઇસ્ક્રીમની માંગમાં વધારો થયો છે. સાથે જ બજારોમાં બપોરના સમયે ભીડ ઓછી જોવા મળે છે, જ્યારે સાંજ બાદ લોકો ખરીદી માટે બહાર નીકળતા હોય છે. મજૂરો અને દૈનિક કામદારો માટે આ ગરમી મુશ્કેલી ઊભી કરી રહી છે, કારણ કે તેમને તડકામાં કામ કરવું પડે છે.થોડા દિવસો સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. આ સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો લોકોને પૂરતું પાણી પીવા, તડકામાં બહાર જવાનું ટાળવા અને હળવા કપડાં પહેરવા સલાહ આપી રહ્યા છે.
સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને ગરમીથી બચવા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા વધારવા અને તડકાથી રાહત મળે તે માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.ઉનાળાની આ તીવ્ર ગરમી વચ્ચે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી તાપમાનમાં ઘટાડો થાય અને જનજીવન ફરી સામાન્ય બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT