
- પ્રથમવાર શાળાના પગથિયા ચઢતાં બાળકો હસતાં-રમતાં શાળામાં આવે અને શાળા પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી કાર્યક્રમનુ આયોજન
ગાંધીનગર, 01 મે (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંચાલિત પ્રિ-સ્કૂલ વિદ્યાવાટિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-સ્કૂલમાં એડમિશન લેવા માટે વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. પ્રિ-સ્કૂલમાં પ્રવેશની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ બાળકોનાં એડમિશન પણ આપી દેવામાં આવ્યા છે.
શાળામાં નવા પ્રવેશ લીધેલાં નાનકડા બાળકો માટે ‘પ્રિ-સ્કૂલ રેડ્ડીનેસ પ્રોગ્રામ’ યોજાયો હતો, જેમાં બાળકોને શાળાની પ્રથમ પળોને આનંદમય બનાવવાનો સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાળકો હસતાં-રમતાં શાળાના વાતાવરણમાં સહજ રીતે ઢળી જાય, શાળા પ્રત્યે સકારાત્મક ભાવના વિકસે અને તેમની સમજણ શક્તિનો ક્રમશઃ વિકાસ થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાવાટિકાના મુખ્ય શિક્ષક હાર્દિક ભટ્ટ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શાંત અને પ્રેરણાદાયક બન્યું હતું. ત્યારબાદ વિદ્યાવાટિકાની શિક્ષિકા બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલ અભિનય ગીત અને પપેટ્સ વાર્તાએ બાળકોમાં આનંદ અને રસ જાગાવ્યો હતો. આ સર્જનાત્મક પ્રવૃત્તિઓએ બાળકોને શાળાની સાથે લાગણીસભર જોડાણ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ચૌધરી સ્કૂલના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશનના અધ્યક્ષ પ્રો. રણજિતસિંહ પવારે વિદ્યાવાટિકાની કાર્યપદ્ધતિ વિશે વાલીઓને વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને માતાઓ માટે તેમણે બાળકોને શાળામાં મોકલતાં પહેલાં કેવી રીતે માનસિક અને વ્યવહારિક રીતે તૈયાર કરવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, જે વાલીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયું.
આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, સામાજિકતા અને શૈક્ષણિક જીવન પ્રત્યેનો પ્રારંભિક ઉત્સાહ વધારવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાવાટિકા દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી ‘પ્રિ-સ્કૂલ રેડ્ડીનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પ્રથમ વાર પ્રવેશ લેતાં નાનકડાં બાળકો માટે શાળાની દુનિયામાં આનંદભેર પ્રવેશ કરવાની એક સુંદર શરૂઆત બની રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ