
કોલકતા, નવી દિલ્હી, 01 મે (હિ. સ.) દક્ષિણ કોલકતાના ખુદીરામ અનુશીલન કેન્દ્રમાં કથિત શંકાસ્પદ ગતિવિધિઓના વિરોધમાં ગુરુવારની સાંજે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રદર્શન કર્યું હતું. તેનાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. ચૂંટણી પંચે રાત્રે પત્રકાર પરિષદ યોજીને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.
તૃણમૂલના ઉમેદવાર કુણાલ ઘોષ અને શશિ પાંજા કેન્દ્રની બહાર ધરણા પર બેસી ગયા હતા. બાદમાં વિજય ઉપાધ્યાય પણ વિરોધમાં જોડાયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સ્ટ્રોંગ રૂમની અંદર શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે. લાઈવ સ્ટ્રીમિંગમાં અંદર કંઈક થતું દેખાઈ રહ્યું છે. બેલેટ પેપર અહીં-તહીં કરવામાં આવી રહ્યા છે, જ્યારે અધિકારીઓ કહી રહ્યા છે કે અંદર કંઈ થઈ રહ્યું નથી.
પરિસ્થિતિ ત્યારે વધુ તણાવપૂર્ણ બની ગઈ જ્યારે ભાજપના ઉમેદવાર તાપસ રાય અને સંતોષ પાઠક પણ ત્યાં પહોંચી ગયા. તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે વાત કરી અને ત્યાંથી પરત ફર્યા. રાત્રે મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ કર્યું હતું કે, સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણપણે સીલ અને સુરક્ષિત છે.
મુખ્ય ચૂંટણી અધિકારી અગ્રવાલે જણાવ્યું હતું કે, ત્યાં ઘણા કેન્દ્રોના ઈવીએમ રાખવામાં આવ્યા છે અને ગુરુવારે મદદનીશ રિટર્નિંગ ઓફિસર પોસ્ટલ બેલેટ અલગ કરી રહ્યા હતા. આની પૂર્વ સૂચના ઉમેદવારોને આપવામાં આવી હતી. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે પોસ્ટલ બેલેટ અલગ કરવાની પ્રક્રિયાનો વીડિયો જોઈને જ છેડછાડના આરોપો લગાવવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. સ્ટ્રોંગ રૂમ 100 ટકા સુરક્ષિત છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે બિનજરૂરી રીતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તૃણમૂલ પ્રમુખ મમતા બેનર્જી પણ સાંજ પડ્યા બાદ સખાવત મેમોરિયલ સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા સીઈઓએ કહ્યું કે કોઈપણ ઉમેદવારને ત્યાં જવાનો અધિકાર છે અને તેમાં પંચને કોઈ વાંધો નથી.
હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / ગંગા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ