
દેહરાદૂન, નવી દિલ્હી, 01 મે (હિ.સ.): ધામી સરકારે, મદરેસાઓ માટે ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા લેવી અનિવાર્ય કરી દીધી છે. ત્યારબાદ હવે રાજ્યમાં મદરેસાઓમાં મનસ્વી અભ્યાસક્રમ નહીં ચાલે, પરંતુ તમામ મદરેસાઓ સરકારના કાયદા-કાનૂન મુજબ જ ચાલશે. સરકારના નવા કાયદા અને નિયમોથી રાજ્યની સેંકડો મદરેસાઓ પર બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
હકીકતમાં, ધામી સરકારે ધોરણ 8 સુધી માટે જિલ્લા વિદ્યાલય સમિતિને માન્યતા આપવાનો અધિકાર આપ્યો છે, જે કોઈપણ શૈક્ષણિક સંસ્થા માટે પહેલા પણ હતો અને ઇન્ટર સુધીની માન્યતા માટે રાજ્ય સ્તરીય શિક્ષણ બોર્ડમાં અરજી કરવાની રહેશે, પરંતુ મદરેસાઓ માટે આ જરૂરી નહોતું, કારણ કે મદરેસાઓ મસ્જિદો અને નાના-નાના રૂમોના ખાનગી મકાનોમાં ચાલી રહ્યા હતા. રાજ્યની તમામ મદરેસાઓએ હવે 1 જુલાઈથી લઘુમતી શિક્ષણ સત્તામંડળ સાથે જોડાણ અને ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા લેવી પડશે.
ઉત્તરાખંડ મદરેસા બોર્ડમાં કુલ 452 મદરેસાઓ નોંધાયેલા છે, જેમની માન્યતા 30 જૂને પૂરી થઈ જશે. સરકારે મદરેસા બોર્ડને જ નાબૂદ કરી દીધું છે. રાજ્યમાં 192 મદરેસાઓ એવા હતા, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સહાય મેળવતા હતા. વક્ફ બોર્ડે 117 મદરેસાઓની નોંધણી કરી છે. નોંધાયેલા મદરેસાઓમાં 46 હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. ધામી સરકારે એક સર્વે કરાવ્યો હતો, ત્યારે રાજ્યમાં 950 મદરેસાઓ ચિહ્નિત થયા હતા એટલે કે લગભગ 300 મદરેસાઓ સરકારની પરવાનગી વગર ચાલી રહ્યા હતા, જેના પર સરકારે પહેલા જ તાળા લગાવી દીધા હતા.
નોંધનીય એ પણ છે કે, ઉત્તરાખંડમાં બિહાર, આસામ, યુપી, ઝારખંડ વગેરે રાજ્યોમાંથી મુસ્લિમ બાળકો લાવીને મદરેસાઓમાં ભણાવવામાં આવતા હતા. સર્વેક્ષણ દરમિયાન તેમની ઓળખ છુપાવવા, નકલી આધાર કાર્ડ બનાવવા અને અન્ય વિષયો પણ સામે આવ્યા હતા. બાળ સંરક્ષણ આયોગે પણ તેની નોંધ લીધી અને રાજ્ય સરકારને અહેવાલ મોકલ્યો. ધામી સરકારે હવે મદરેસાઓમાં માત્ર યોગ્યતા આધારિત (કાબિલિયાઈ) શિક્ષણને રોકવા અને તેની જગ્યાએ ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નિર્ધારિત એનસીઈઆરટી અભ્યાસક્રમ ભણાવવાનો નિર્ણય લીધો છે. લઘુમતી શિક્ષણ સત્તામંડળ દેશમાં પ્રથમ વખત ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યું છે, જેમાં અન્ય લઘુમતી સમુદાયોને પણ સામેલ કરીને સરકારી સહાય આપવાના માર્ગો ખોલી દેવામાં આવ્યા છે, જે અત્યાર સુધી માત્ર એક વિશેષ સમુદાયને જ મળતી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસા બોર્ડ નાબૂદ કરી દીધું છે. તેમણે જણાવ્યું કે લઘુમતી સમાજના બાળકોએ રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી હેઠળ શિક્ષણ લેવું પડશે અને મદરેસાઓએ લઘુમતી શિક્ષણ સત્તામંડળ તથા ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા અને જોડાણ લેવું જ પડશે. મુખ્યમંત્રીએ આવું ન કરનાર મદરેસાઓ પર તાળા લગાવવાના પણ નિર્દેશ આપ્યા છે.
ઉત્તરાખંડમાં જે મદરેસાઓ કાર્યરત છે, તેમણે હવે શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા માટે પોતાના દસ્તાવેજો એકત્ર કરવા પડશે. ઉત્તરાખંડમાં જે મદરેસાઓ અત્યારે ચાલી રહ્યા હતા, તેમની પાસે નિયમ મુજબ પૂરતી જમીન નથી, અને જે છે તેના પણ દસ્તાવેજો નહિવત છે. તેમની સંસ્થાઓ નોંધાયેલી નથી, તેમની પાસે બી.એડ. શિક્ષકો નથી, ભવનમાં નિયમો અનુસાર રૂમો પણ નથી અને રમતનું મેદાન પણ નથી. નિયમ અનુસાર મદરેસાના સંચાલકોએ બેંક ખાતાઓની વિગતો, ફાળો ઉઘરાવવો અને આર્થિક સ્ત્રોતોનું પણ ઓડિટ કરાવવું પડશે. અત્યાર સુધી મદરેસાના સંચાલકો માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ ખાડી દેશોમાંથી પણ ઇસ્લામિક શિક્ષણ આપવા માટે આર્થિક સહાય લેતા હતા. આ નાણાંમાંથી કેટલીક મદરેસાઓ બાળકોના ધાર્મિક શિક્ષણ પર ઓછું પરંતુ પોતાના એશો-આરામ પર વધુ ખર્ચ કરતી હતી.
દરેક બાળકને સમાન શિક્ષણ આપવાનો પ્રયાસ: વિશેષ સચિવ
ઉત્તરાખંડ લઘુમતી વિભાગના વિશેષ સચિવ ડૉ. પરાગ મધુકર ધકાતેએ જણાવ્યું કે શિક્ષણનો અધિકાર દરેક માટે સમાન છે. અમારો પ્રયાસ છે કે દરેક બાળકને એક સમાન શિક્ષણ મળે. આ માટે સરકારે લઘુમતી શિક્ષણ સત્તામંડળ બનાવ્યું છે. તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડની માન્યતા લઈને બાળકોને અભ્યાસ કરાવવો પડશે. જો તેઓ ધાર્મિક શિક્ષણ પણ આપે છે, તો તેનો અભ્યાસક્રમ પણ સત્તામંડળની શિક્ષણ સમિતિ નક્કી કરશે. તેમણે કહ્યું કે માન્યતા માટે જરૂરી કાગળો ન આપનાર અને નિયમ મુજબ પૂરતી જમીન ન ધરાવતા મદરેસાઓ બંધ થઈ જશે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વિનોદ પોખરિયાલ / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ