
વલસાડ, 01 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને મળેલી કારમી હાર બાદ વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલે પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે ચૂંટણીના નબળા પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી હોવાનું જણાવ્યું છે. પ્રકાશ પટેલે હાર માટે પક્ષની નબળી નેતાગીરી અને મોટા નેતાઓની નિષ્ક્રિયતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં ઘણા નેતાઓ માત્ર દેખાવ પૂરતા હાજર રહે છે અને વાસ્તવિક કામગીરીમાં ભાગ લેતા નથી, જેના કારણે પક્ષને નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે કાર્યકર્તાઓ મહેનત કરે છે, પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન અને નેતૃત્વનો અભાવ રહ્યો હતો. ચૂંટણી દરમિયાન મોટા નેતાઓની ગેરહાજરીને કારણે કાર્યકર્તાઓમાં નિરાશા ફેલાઈ હતી, જેના સીધા પરિણામે ભાજપને નિર્ણાયક જીત મળી હતી.
પ્રકાશ પટેલે વધુમાં જણાવ્યું કે મોટા નેતાઓનો પૂરતો સહકાર ન મળતા જનતામાં વિશ્વાસ જાળવી શકાયો નહોતો. કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવા કે તેમનો ઉત્સાહ વધારવા માટે પણ કોઈ નેતા સક્રિય જોવા મળ્યા નહોતા. તેના વિપરીત ભાજપે સંગઠિત રીતે ચૂંટણી લડી હતી, જેમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ એકજૂથ થઈને મેદાનમાં ઉતર્યા હતા, જેના પરિણામે તેમને સફળતા મળી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રકાશ પટેલે પક્ષના મોવડી મંડળને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. તેમણે જણાવ્યું કે જો આવનારી ચૂંટણીમાં સફળતા મેળવવી હોય તો પક્ષે દેખાવની રાજનીતિ છોડીને કાર્યકર્તા આધારિત મજબૂત સંગઠન ઊભું કરવું પડશે. તાલુકા પ્રમુખના આ રાજીનામાથી વલસાડ જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. હવે પ્રદેશ નેતાગીરી આ મુદ્દે શું નિર્ણય લે છે તે પર સૌની નજર છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha