વલસાડમાં નકલી દસ્તાવેજો પરથી પાસપોર્ટ બનાવતા રેકેટનો પર્દાફાશ
વલસાડ, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ હાથ ધરાયે
વલસાડ SOG ઓફિસ સામે નકલી પાસપોર્ટ રેકેટમાં ઝડપાયેલા બે આરોપીઓ સાથે પોલીસ ટીમ.


વલસાડ, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક મુખ્ય એજન્ટ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ મુજબ આરોપીઓએ ‘UK-21’ વિઝાનો લાભ મેળવવા માટે સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. આ માટે ખોટા નામ-સરનામા સાથેના જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.તપાસ દરમિયાન SOGની ટીમે દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલી ‘જેક એન્ટરપ્રાઇઝ’ ઓફિસમાં દરોડો પાડી નકલી દસ્તાવેજો બનાવવા માટે વપરાતું લેપટોપ, કલર પ્રિન્ટર, બોન્ડ પેપર અને ફોટો પેપર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં જીજ્ઞેશ ઉર્ફે જેક પટેલ (દમણ) અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા (નાલાસોપારા)ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જીજ્ઞેશ નકલી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો બનાવવાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જ્યારે જીતેન્દ્ર પાસપોર્ટ એજન્ટ તરીકે સમગ્ર કાવતરું સંચાલિત કરતો હતો. આ ઉપરાંત હેમંત જગન (દમણ) નામનો મુખ્ય એજન્ટ હાલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસે કુલ રૂ. 85,000 જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચાર મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સાધનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બંને ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ દારૂબંધીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ રેકેટ મારફતે અત્યાર સુધી કેટલા લોકોને નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ અપાવવામાં આવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande