
- મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં 30 વર્ષથી વધુનો કાર્ય અનુભવ
નવી દિલ્હી, 01 મે (હિ.સ.) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) માં શુક્રવારે 22મા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે, રવિ કે.એ કાર્યભાર સંભાળ્યો છે. તેમણે ડૉ. ડી.કે. સુનીલ પાસેથી ચાર્જ લીધો છે, જેઓ 30 એપ્રિલે નિવૃત્ત થયા હતા. શ્રી રવિ કે. પાસે મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં 30 વર્ષથી વધુનો કાર્ય અનુભવ છે. આ પહેલા તેઓ એચએએલ માં ડાયરેક્ટર (ઓપરેશન્સ) હતા, જ્યાં તેમણે વ્યૂહાત્મક આયોજનનું નેતૃત્વ કર્યું અને એચએએલ ને મહારત્નનો દરજ્જો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાર્યભાર સંભાળ્યા બાદ રવિ કે.એ જણાવ્યું હતું કે, તેમનું વિઝન એચએએલ ને ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ઓપરેશનલ એક્સેલન્સ અને લોકો દ્વારા સંચાલિત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક એરોસ્પેસ અને ડિફેન્સ એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવાનું છે. તેમણે એલસીએ તેજસ ડિવિઝનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જનરલ મેનેજર તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોર્પોરેટ પ્લાનિંગ) જેવી મહત્વની ભૂમિકાઓમાં કાર્ય કર્યું છે. તેમણે એચએએલ માટે અનેક મોટા કોન્ટ્રાક્ટ્સ પૂર્ણ કર્યા છે, જેમ કે ભારતીય વાયુસેના સાથે 180 એલસીએ તેજસના સપ્લાય માટે સમજૂતી કરવી, ભારતીય સેના અને વાયુસેના માટે 156 એલસીએચ પ્રચંડ અને વાયુસેનામાં એલસીએ તેજસ ફ્લીટનું સંચાલન કરવાનો શ્રેય તેમને જ જાય છે.
એચએએલ ના જણાવ્યા અનુસાર, તેમણે વિવિધ ગ્રાહક-કેન્દ્રિત પહેલો દ્વારા ફ્લીટની સેવામાં સુધારો કર્યો. વાયુસેના બેઝ સાથે સરળ ડેટા કોમ્યુનિકેશન સ્થાપિત કર્યું અને સમયસર કસ્ટમર સપોર્ટ માટે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બનાવ્યો. તેમણે એલસીએ તેજસ પ્રોગ્રામમાં તેજી લાવવા માટે નાસિકમાં ઉત્પાદન ક્ષમતા વધારીને સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કર્ણાટકની મલનાડ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ શ્રી રવિ કે. આઈઆઈએમ અમદાવાદ અને આઈએએસ, તુલુઝ, ફ્રાન્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ મલ્ટી-રોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લિમિટેડના બોર્ડમાં નામાંકિત ડિરેક્ટર પણ છે.
તેમણે ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે મોટા ફ્યુઝલેજ એસેમ્બલી આઉટસોર્સ કરીને મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ એક એવી વ્યૂહરચના છે, જે હવે સતત ડિલિવરી દ્વારા સારા પરિણામો આપી રહી છે. તેમના પ્રયાસોથી એચએએલ ને સિવિલ મેન્યુફેક્ચરિંગ અને મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (એમઆરઓ) માં વૈવિધ્યસભર વિસ્તરણ મળ્યું છે, જેના કારણે આવકના નવા સ્ત્રોતો ઊભા થવાની સાથે ઉડ્ડયન બજારમાં એચએએલ ની હાજરી વધી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ