
નવી દિલ્હી, 01 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આર્થિક વિકાસને મજબૂત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે અને “વિકસિત મહારાષ્ટ્ર”નું વિઝન વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત”ના સહિયારા લક્ષ્ય સાથે સુસંગત છે.
પ્રધાનમંત્રીએ ત્રણ પાનાના વિગતવાર પત્રમાં મહારાષ્ટ્રની પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સામાજિક સુધારણા, આધ્યાત્મિક ચેતના અને ઔદ્યોગિક વિકાસનું મજબૂત કેન્દ્ર રહ્યું છે, જેણે દેશને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમણે છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, લોકમાન્ય ટિળક અને વીર સાવરકર જેવા મહાન નેતાઓના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમના વિચારો આજે પણ દેશને પ્રેરણા આપી રહ્યા છે. સંત પરંપરા અને વારકરી આંદોલને સમાજમાં સમાનતા અને ભક્તિની ભાવનાને મજબૂત કરી છે.
પ્રધાનમંત્રીએ વર્ષ 2026 ને મહારાષ્ટ્ર માટે વિશેષ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ, મહાત્મા જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતિ, સંત ગાડગે બાબાની 150મી જન્મજયંતિ, મહાડના ચવદાર તળાવ સત્યાગ્રહના 100 વર્ષ, ડૉ. ભીમરાવ આંબેડકર સાથે જોડાયેલ મહત્વના સ્મરણો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ જેવા ઐતિહાસિક અવસરો ઉજવવામાં આવી રહ્યા છે. આ આયોજનોથી સામાજિક ન્યાય, મહિલા સશક્તિકરણ, આધ્યાત્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક અસ્મિતાને બળ મળશે.
પત્રમાં પ્રધાનમંત્રીએ મરાઠી ભાષાને 2024 માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવાને ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી. સાથે જ તેમણે મહારાષ્ટ્રના કિલ્લાઓને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવાનો ઉલ્લેખ કરતા તેને રાજ્યના શૌર્ય અને ઇતિહાસની વૈશ્વિક ઓળખ ગણાવી હતી.
આર્થિક મોરચે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રોકાણ, ઉદ્યોગ, ઇનોવેશન અને માળખાગત સુવિધાઓના વિકાસમાં અગ્રેસર છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને મળી રહેલા સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં રેલવે, મેટ્રો, એરપોર્ટ અને બંદર જેવા મોટા પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી રહી છે, જેમાં 2025-26 માટે રેલવે પ્રોજેક્ટ્સ હેતુ 24,000 કરોડ રૂપિયાની જોગવાઈનો સમાવેશ થાય છે.
તેમણે ગઢચિરોલી, અમરાવતી, ધુળે અને નંદુરબાર જેવા ક્ષેત્રોમાં વિકાસની ઝડપી ગતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ ક્ષેત્રો હવે રોકાણ અને રોજગારના નવા કેન્દ્રો બની રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2029, 2035 (મહારાષ્ટ્રનો અમૃત મહોત્સવ) અને 2047 ને ધ્યાનમાં રાખીને લાંબાગાળાના વિકાસની રૂપરેખા તૈયાર કરી છે, જે ‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય લક્ષ્ય સાથે સુમેળમાં છે.
પ્રધાનમંત્રીએ મરાઠવાડા સહિત જળ સંકટ ધરાવતા વિસ્તારોમાં કરવામાં આવી રહેલા પ્રયાસો અને સહકાર મોડલની પણ પ્રશંસા કરી હતી. સાથે જ નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં આગામી કુંભ મેળાની તૈયારીઓ માટે રાજ્ય સરકારને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ અને રાજમાતા જીજાબાઈના આશીર્વાદને યાદ કરતા ‘જય મહારાષ્ટ્ર’ સાથે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ વર્ષે મહારાષ્ટ્રમાં થયેલી કેટલીક દુખદ ઘટનાઓનો ઉલ્લેખ કરતા, વરિષ્ઠ નેતા અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના યોગદાનને યાદ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ