
સિલવાસા, 01 મે (હિ.સ.) : દાદરા અને નગર હવેલીમાં પડતી કડક ગરમી અને સતત વધતા તાપમાન વચ્ચે જિલ્લા પ્રશાસન દ્વારા શ્રમિકોની સુરક્ષા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ ઉપ સમાહર્તા અમિત કુમાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ મારફતે જારી કરાયેલ માર્ગદર્શિકા શ્રમિકો માટે સુરક્ષાનું મજબૂત કવચ સાબિત થઈ રહી છે.
હીટવેવની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો, ફેક્ટરીઓ અને નિર્માણ સાઇટોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. બપોરના 12થી 3 દરમિયાન ભારે કામ ટાળવું, શુદ્ધ પીવાનું પાણી સતત ઉપલબ્ધ રાખવું અને સમયાંતરે આરામ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. પ્રશાસનના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે શ્રમિકોને માત્ર કામદારો તરીકે નહીં પરંતુ પરિવારમાંના સભ્ય તરીકે જોવામાં આવી રહ્યા છે. કાર્યસ્થળોએ છાંયડાવાળા આરામ સ્થળ, ઓઆરએસ અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખાસ ભાર મૂકાયો છે.
શ્રમિકોને હળવા રંગના કોટન કપડાં પહેરવા, માથું ઢાંકીને રાખવા અને સીધી ધુપથી બચવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ ચક્કર આવવું, વધુ પસીનો, નબળાઈ જેવા લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય સેવા મેળવવા કહેવામાં આવ્યું છે. આપાતકાલીન પરિસ્થિતિ માટે પણ પ્રશાસન સજ્જ છે. પ્રાથમિક સારવાર કિટ અને નજીકની આરોગ્ય સેવાઓ સાથે સતત સંપર્ક રાખવા ઉદ્યોગોને આદેશ આપવામાં આવ્યા છે.
આ પહેલનો સૌથી મહત્વનો ભાગ છે જાગૃતિ. શ્રમિકોને હીટવેવના જોખમો અને બચાવના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જે લાંબા ગાળે તેમની સુરક્ષા માટે અસરકારક સાબિત થશે. દેશના અનેક વિસ્તારોમાં જ્યાં શ્રમિકોની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં દાદરા અને નગર હવેલી પ્રશાસનનો આ અભિગમ એક સકારાત્મક ઉદાહરણ તરીકે સામે આવ્યો છે. વિકાસ સાથે માનવતા જાળવવાની આ પહેલ પ્રશાસન અને જનતા વચ્ચે વિશ્વાસને વધુ મજબૂત બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha