
નવી દિલ્હી, 11 મે (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે રાષ્ટ્રીય તકનીકી દિવસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા વર્ષ 1998 ના સફળ પોખરણ પરમાણુ પરીક્ષણોને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને આત્મવિશ્વાસનું પ્રતીક ગણાવ્યું.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર એક પોસ્ટમાં રાષ્ટ્રીય તકનીકી દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, અમે અમારા વૈજ્ઞાનિકોની સખત મહેનત અને સમર્પણને ગર્વ સાથે યાદ કરીએ છીએ, જેના પરિણામે 1998 માં પોખરણમાં સફળ પરીક્ષણો થયા હતા. તે ઐતિહાસિક ક્ષણ ભારતની વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા અને અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક હતી.
તેમણે કહ્યું કે, તકનીકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એક મુખ્ય સ્તંભ બની ગઈ છે. તે નવાચારને વેગ આપવા, તકોનો વિસ્તાર કરવા અને વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહી છે. મોદીએ કહ્યું કે, સરકારનો સતત પ્રયાસ પ્રતિભાઓને સશક્ત બનાવવા, સંશોધનને પ્રોત્સાહિત કરવા અને એવા ઉકેલો વિકસાવવા પર કેન્દ્રિત છે, જે રાષ્ટ્રની પ્રગતિ અને આપણા લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે.
પ્રધાનમંત્રીએ આ અવસરે એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું, જેમાં ‘અગ્નિ’ ને સ્વર્ગની સર્વોચ્ચ શક્તિ અને પૃથ્વી પરની તમામ ઉર્જાનો મૂળ સ્ત્રોત ગણાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ જ અગ્નિ તત્વ પદાર્થના અતિ સૂક્ષ્મ કણોમાં છુપાયેલી અપાર શક્તિને જાગૃત કરે છે અને સમગ્ર સૃષ્ટિમાં ઉર્જા તેમજ ગતિનો સંચાર કરે છે.
તેમણે પોસ્ટમાં લખ્યું, “વર્ષ 1998 માં આજના દિવસે પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણે વિશ્વને ભારતના અદભૂત સામર્થ્યનો પરિચય કરાવ્યો. આપણા વૈજ્ઞાનિકો દેશના ગૌરવ અને સ્વાભિમાનના સાચા શિલ્પીઓ છે. अग्निर्मूर्धा दिवः ककुत्पतिः पृथिव्या अयम्। अपां रेतांसि जिन्वति॥”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ