
દેહરાદૂન, નવી દિલ્હી, 11 મે (હિ. સ.) હવામાન વિજ્ઞાન કેન્દ્ર દેહરાદૂને 12 અને 13 મેના રોજ ઉત્તરાખંડના અનેક પર્વતીય જિલ્લાઓમાં ભારે વરસાદ, કરા પડવા, વીજળીના કડાકા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની ચેતવણી આજે જાહેર કરી છે. આ પછી પ્રશાસને ચારધામ યાત્રીઓ અને પ્રવાસીઓને વિશેષ તકેદારી રાખવાની અપીલ કરી છે.
કેન્દ્રના પૂર્વાનુમાન મુજબ, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 4500 મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. અન્ય પર્વતીય જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા છે.
હવામાન વિજ્ઞાન કેન્દ્રે ચેતવણી આપી છે કે, 12 મે અને 13 મેના રોજ હવામાનમાં ફેરફાર થવાને કારણે ભૂસ્ખલન, પથ્થરો પડવા, રસ્તામાં અવરોધ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની આશંકા છે. તેથી ચારધામ યાત્રાના માર્ગો પર પણ વિશેષ સાવચેતી રાખવામાં આવે. શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો આ દરમિયાન સુરક્ષિત સ્થળે રહે. વૃક્ષો નીચે આશરો ન લેવો. સંવેદનશીલ ઢોળાવ અને નદી-નાળાઓની આસપાસ સાવધાની રાખવી. કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.
પર્વતીય વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનની શક્યતાને જોતા ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ, ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને હવામાનની તાજી માહિતી મેળવીને જ યાત્રા કરવાની અપીલ કરી છે. કમિશનરે જણાવ્યું કે, હવામાન સામાન્ય થયા બાદ યાત્રા કરવી વધુ અનુકૂળ રહેશે. તેમણે સૌને વહીવટીતંત્ર અને સ્થાનિક અધિકારીઓના દિશાનિર્દેશોનું પાલન કરવા પણ વિનંતી કરી.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ