
મહેસાણા, 02 મે (હિ.સ.) :
મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે “જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી નાગરિકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો અને અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કુલ ૫૩ પ્રશ્નો રજૂ થયા હતા, જેને લઈને જિલ્લા કલેક્ટર તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી. દરેક અરજદારના પ્રશ્નોને ગંભીરતાથી લઈ, સ્થળ પર જ યોગ્ય અને તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય પ્રશ્નો માટે સંબંધિત વિભાગોને સમયબદ્ધ કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના પ્રશ્નો માટે સીધી અને પારદર્શક રીતે ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા તંત્ર દ્વારા આવી પહેલો દ્વારા જનતા અને શાસન વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બન્યો છે. જિલ્લા વહીવટીતંત્રે ખાતરી આપી છે કે આવનારા સમયમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાઈને નાગરિકોની સમસ્યાઓને ઝડપી અને અસરકારક રીતે ઉકેલવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR