દેશભરમાં ‘સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ’નું સફળ પરીક્ષણ, આપત્તિના સમયે તાત્કાલિક માહિતી પહોંચશે
નવી દિલ્હી, 02 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકો સુધી ઝડપી માહિતી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આજે અહીં ‘સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ’નું પરીક્ષણ કર્યું, જેમાં તમામ પ્રકારના મોબાઈલની સ્ક્રીન પર એક મેસેજ બોક્સમાં કટોકટીનો
મોબાઈલ ફોન પર એકસાથે બીપ અવાજ સાથે ઇમરજન્સી એલર્ટ સંદેશ પ્રાપ્ત થયો


નવી દિલ્હી, 02 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકો સુધી ઝડપી માહિતી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આજે અહીં ‘સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ’નું પરીક્ષણ કર્યું, જેમાં તમામ પ્રકારના મોબાઈલની સ્ક્રીન પર એક મેસેજ બોક્સમાં કટોકટીનો સંદેશ દેખાય છે અને ધ્યાન આકર્ષિત કરવા માટે એક વિશિષ્ટ પ્રકારના બીપ અવાજ સાથે વાઇબ્રેટ થાય છે.

સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ, એક કાર્યક્રમમાં રિમોટના માધ્યમથી આ દેશવ્યાપી પરીક્ષણને સફળતાપૂર્વક સંપન્ન કર્યું.

પરીક્ષણ હેઠળ લગભગ 11:45 વાગ્યે દેશભરમાં મોબાઈલ ફોન પર એકસાથે બીપ અવાજ સાથે ઇમરજન્સી એલર્ટ સંદેશ પ્રાપ્ત થયો. સંદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ એક પરીક્ષણ છે અને જનતાએ કોઈ પગલાં લેવાની જરૂર નથી. આ અત્યાધુનિક પ્રણાલી સંચાર મંત્રાલયના ટેલિકોમ વિભાગ દ્વારા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) ના સહયોગથી વિકસાવવામાં આવી છે, જેથી આપત્તિના સમયે નાગરિકો સુધી મહત્વપૂર્ણ માહિતીનું સમયસર પ્રસારણ સુનિશ્ચિત કરી શકાય.

એનડીએમએ એ ટેલિકોમ વિભાગના અગ્રણી સંશોધન અને વિકાસ કેન્દ્ર, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ) દ્વારા વિકસિત સંકલિત એલર્ટ સિસ્ટમ ‘સચેત’ ને સફળતાપૂર્વક ચાલુ કરી છે. આ પ્રણાલી આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા ભલામણ કરાયેલ કોમન એલર્ટિંગ પ્રોટોકોલ (સીએપી) પર આધારિત છે. હાલમાં તે દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે અને ભૌગોલિક રીતે લક્ષિત વિસ્તારોમાં મોબાઈલ વપરાશકર્તાઓને એસએમએસ દ્વારા આપત્તિ અને કટોકટીના એલર્ટ પ્રદાન કરી રહી છે.

સરકારી આંકડાઓ અનુસાર, આ પ્રણાલી દ્વારા અત્યાર સુધીમાં કુદરતી આપત્તિઓ, હવામાનની ચેતવણીઓ અને ચક્રવાતની ઘટનાઓ દરમિયાન 19 થી વધુ ભારતીય ભાષાઓમાં 134 અબજથી વધુ એસએમએસ એલર્ટ પ્રસારિત કરવામાં આવ્યા છે.

આપત્તિ ચેતવણી પ્રણાલીને વધુ સશક્ત બનાવવા માટે એસએમએસ ની સાથે હવે સેલ બ્રોડકાસ્ટ (સીબી) ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દ્વારા કોઈ નિર્ધારિત ભૌગોલિક વિસ્તારના તમામ મોબાઈલ ઉપકરણો પર એકસાથે એલર્ટ પ્રસારિત કરી શકાય છે, જેનાથી લગભગ વાસ્તવિક સમયમાં માહિતી પહોંચાડવી શક્ય બને છે.

સુનામી, ભૂકંપ, વીજળી પડવી, ગેસ લીકેજ અને અન્ય રાસાયણિક જોખમો જેવી સમય-સંવેદનશીલ પરિસ્થિતિઓમાં આ પ્રણાલી ખાસ કરીને ઉપયોગી સાબિત થશે. સેલ બ્રોડકાસ્ટ આધારિત આ સ્વદેશી જાહેર કટોકટી એલર્ટ સિસ્ટમના વિકાસ અને અમલીકરણની જવાબદારી સી-ડોટ ને સોંપવામાં આવી છે.

ઉદ્ઘાટન અભ્યાસ હેઠળ દિલ્હી-એનસીઆર સહિત તમામ રાજ્યોની રાજધાનીઓમાં મોબાઈલ વપરાશકર્તાઓને અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં એક પરીક્ષણ સંદેશ મોકલવામાં આવ્યો હતો. સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે, “ભારત દ્વારા સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના નાગરિકો માટે ઝડપી આપત્તિ ચેતવણી સેવા હેતુ સેલ બ્રોડકાસ્ટનો પ્રારંભ. સચેત નાગરિક, સુરક્ષિત રાષ્ટ્ર. આ સંદેશ મળવા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી અપેક્ષિત નથી. આ એક પરીક્ષણ સંદેશ છે.”

પરીક્ષણ દરમિયાન મેટ્રો, બસો અને અન્ય જાહેર સ્થળો પર એકસાથે એલર્ટ આવવાથી થોડા સમય માટે લોકોમાં મૂંઝવણ અને ગભરાટની સ્થિતિ જોવા મળી હતી, પરંતુ સંદેશ વાંચ્યા પછી સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.

સરકારે તેને ‘સતર્ક નાગરિક, સુરક્ષિત રાષ્ટ્ર’ ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે અને નાગરિકોને અપીલ કરી છે કે, આવા પરીક્ષણ સંદેશાઓથી ગભરાવું નહીં, કારણ કે તેનો હેતુ માત્ર આપત્તિના સમયે ઝડપી માહિતી પ્રણાલીને ચકાસવાનો અને મજબૂત કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / ઉદય કુમાર / સચિન બુધોલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande