આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ: સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિઓથી સંપન્ન છે ગિરનાર
જુનાગઢ, 21 મે (હિ.સ.) : ગિરનાર શ્રદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર તો છે જ. પરંતુ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ એટલો જ સમૃદ્ધ છે. અહીં એશિયાઈ સિંહોનો વસવાટ તો છે જ. પણ સાથે સાથે વિવિધ પ્રકારના સરીસૃપો, ૩૦૦થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૬૦૦થી વધુ પ્રકારની વનસ્પત
૨૨- મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિશેષ  આસ્થા


જુનાગઢ, 21 મે (હિ.સ.) : ગિરનાર શ્રદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર તો છે જ. પરંતુ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ એટલો જ સમૃદ્ધ છે. અહીં એશિયાઈ સિંહોનો વસવાટ તો છે જ. પણ સાથે સાથે વિવિધ પ્રકારના સરીસૃપો, ૩૦૦થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૬૦૦થી વધુ પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ ગિરનારના આસપાસના ૧૭૯ ચોરસ કિલોમીટરને અભયારણ્ય વિસ્તાર તરીકે પણ જાહેર કરવામાં આવેલો છે. જેમાં દુર્લભ કહી શકાય તેવી વનસ્પતિઓ અને ઔષધીઓ પણ જોવા મળે છે. જે સંશોધકો માટે પણ હંમેશા અભ્યાસનું કેન્દ્ર રહ્યો છે.

ગિરનારના વૃક્ષો સંદર્ભે જેમનો વિશેષ અભ્યાસ રહ્યો છે તેવા ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી. સુહાગીયા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે કહે છે કે, ગિરનાર એક પ્રાચીન પર્વત છે અને અહીં વૈવિધ્યસભર જૈવ સૃષ્ટિ જોવા મળે છે, અહીં ગુજરાતના ગૌરવરૂપ એશિયાઈ સિંહો તો જોવા મળે છે. સાથે જ કીડીખાવ, ચિત્તલ, સાબર, હાયના, નીલગાય વગેરે વન્ય પ્રાણીઓનો વસવાટ જોવા મળે છે. ઉપરાંત અહીં ઝેરી-બીન ઝેરી સાપ, મગર, ગરોળી વગેરે પ્રકારના સરીસૃપો જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે, ગિરનાર ક્ષેત્રમાં ઔષધીય વૃક્ષો વનસ્પતિઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમાં દ્વિઅંગી, ત્રિઅંગી, બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં ઘાસ, વેલા, છોડ, જાડી, વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે. ગિરનારમાં દુર્લભ કહી શકાય તેવી જનાર્ધ નામની માસભક્ષી વનસ્પતિ પણ જોવા મળે છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ્રકૃતિના સંતુલન માટે વન્યસૃષ્ટિની જાળવણી અને સંરક્ષણ ખૂબ જરૂરી છે, તૃણાહારી, મિશ્રાહારી અને માસાહારી પ્રાણી પક્ષીઓની આહાર શૃંખલા એકબીજા પર નિર્ભર હોય છે. તેનાથી જ એકબીજા જીવોનું અસ્તિત્વ ટકેલું હોય છે. તેમાં કોઈ ખલેલ પહોંચે તો સમગ્ર ઇકો સિસ્ટમને નુકસાન પહોંચે છે. આપણું ભોજન, પાણી, હવા અને દવાઓ સીધી કે આડકતરી રીતે પ્રકૃતિની વિવિધતા પર જ નિર્ભર છે. ત્યારે પ્રકૃતિ અને જૈવ વિવિધતાનું સંરક્ષણમાં સૌના સહિયારા પ્રયાસ જરૂરી છે. જૂનાગઢ વન વિભાગ પણ ખૂબ પ્રતિબદ્ધતા સાથે આ માટે કામ કરી રહ્યો છે.

તેમણે ખાસ વન્ય જીવોના નૈસર્ગિક આવાસ વસવાટને ખલેલ ન પહોંચે તે માટે તકેદારી લેવા અને વન્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ અનુરોધ પણ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, ગિરનારના ૩૦૦ થી ૧૨૦૦ એમ.એમ. જેટલો વરસાદ પડે છે જેનાથી પણ જંગલ વિસ્તાર હર્યોભર્યો રહે છે, તેનાથી જીવસૃષ્ટિને પણ પોષણ મળે છે.

ઉલ્લેખનીય છે કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી. સુહાગીયાએ 'ગિરનારના વૃક્ષો' નામે એક પુસ્તક પણ લખ્યું છે, જે માટે ગિરનારની જુદી જુદી ટેકરીઓ વિસ્તાર ખૂંદી વળ્યાં હતા. ઉપરાંત વૃક્ષોના સ્થાનિક ભાષામાં ઉપરાંત હિન્દી, અંગ્રેજી અને વૃક્ષોનું સાયન્ટિફિક નામની જાણકારી એકત્ર કરી તેમજ ઋતુ પ્રમાણે ફળ ફૂલ, પાન, ઔષધીય ઉપયોગ વગેરે માહિતી રસપ્રદ રીતે દર્શાવી છે. તેમણે કહ્યું કે, ફરજ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ આ પુસ્તક તૈયાર કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. જે ખાસ ફિલ્ડ સ્ટાફ માટે ઉપયોગી થઈ શકે તે માટે આ પુસ્તક લખ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande