
નવી દિલ્હી, 25 મે (હિ.સ.). વિદેશ મંત્રી એસ. જયશંકરે, સોમવારે ‘આફ્રિકા દિવસ’ નિમિત્તે આફ્રિકન દેશો અને ત્યાંના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારત અને આફ્રિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સહયોગી સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં લખ્યું, “સમગ્ર આફ્રિકા ખંડમાં અમારા તમામ ભાગીદારોને ‘આફ્રિકા દિવસ’ની શુભેચ્છાઓ. આપણી ભાગીદારી સહિયારી સફર, પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર આધારિત છે. અમે અમારી એકતાને મજબૂત કરવા અને અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
તેમણે જણાવ્યું હતું કે, ભારત અને આફ્રિકન દેશોના સંબંધો માત્ર રાજદ્વારી સ્તર સુધી સીમિત નથી, પરંતુ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, વેપાર અને માનવીય સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે રવિવારે આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહેલા ઈબોલા સંક્રમણ સામે લડવા માટે માનવીય સહાય અંતર્ગત તબીબી સામગ્રી અને સુરક્ષા કીટનો પ્રથમ જથ્થો રવાના કર્યો હતો. આ સહાય આફ્રિકા રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (આફ્રિકા સીડીસી) ને મોકલવામાં આવી છે.
ભારત તરફથી મોકલવામાં આવેલી આ સહાયને આફ્રિકન દેશો સાથે વધતા સહયોગ અને વૈશ્વિક આરોગ્ય સંકટ સમયે માનવીય સમર્થન તરીકે જોવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ