
વલસાડ,26 મે (હિ.સ.) ઉમરગામ તાલુકાના વલવાડા-કરમબેલા વિસ્તારમાં આવેલા રેલવે અંડરપાસની મરામત અને લાઇટ સુવિધાની માંગ સાથે સ્થાનિકોએ સાંસદ ધવલ પટેલને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆત બાદ સાંસદે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ પશ્ચિમ રેલવે તંત્રને તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.તે અનુસંધાને પશ્ચિમ રેલવેના વાપી વિભાગ દ્વારા વલવાડા નજીક આવેલા RUB-78 રેલવે અંડરપાસના રોડ સપાટી મરામત કાર્ય હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના જાહેરનામા મુજબ વાપી-કરમબેલા વચ્ચે કિ.મી. નં. 168/02-04 ખાતે આવેલા RUB-78 અંડરપાસ ખાતે તા. 26 મે 2026ના રોજ સવારે 8 વાગ્યાથી મરામત કામગીરી શરૂ થશે, જે તા. 30 મે 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.મરામત દરમિયાન RUB-78 અંડરપાસ સતત પાંચ દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનોને લેવલ ક્રોસિંગ નં. 77 અને ROB-75 માર્ગે ડાયવર્ટ કરવામાં આવશે.રેલવે તંત્ર દ્વારા કલેક્ટર કચેરી, મામલતદાર, ગ્રામ પંચાયત, પી.ડબલ્યુ.ડી., પોલીસ તેમજ GRP સહિત સંબંધિત વિભાગોને ટ્રાફિક અને કાયદો-સુવ્યવસ્થા જાળવવા જરૂરી સ્ટાફ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સ્થાનિક વાહનચાલકો અને જનતાને અગાઉથી જાણ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha