

પાટણ, 27 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાના દંડક મનીષાબેન પ્રજાપતિ દ્વારા શહેરના વોર્ડ નંબર 8, 9 અને 10 વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિસ્તારની શાંતિ, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે કાનૂની પ્રક્રિયાની માંગ કરી છે.
આ વિસ્તારોમાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલાં હોવાથી અહીં હિન્દુ ધર્મની આસ્થા અને પરંપરાનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષોથી અહીં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન થતું આવ્યું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
વોર્ડ નંબર 8, 9 અને 10માં નવરાત્રી, હોળી-ધુળેટી, રામ નવમી અને ચૈત્રી નવરાત્રી જેવા તહેવારો ભક્તિભાવથી ઉજવાય છે. હાલની સામાજિક અને લોકસાંખ્યિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને શાંતિ જાળવવા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ