
- આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરાશે
અમદાવાદ,27 મે (હિ.સ.) આફ્રીકન દેશ કોંગોમાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ઇબોલાથી અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે. 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. મુંબઈ થી વડોદરા આવેલા 37 વર્ષીય વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે કોંગોથી મુંબઈ મારફતે વડોદરા આવેલા 37 વર્ષીય એક વ્યક્તિને શંકાસ્પદ લક્ષણોના આધારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 દિવસ માટે ક્વોરન્ટીન કરી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને વિવિધ ટેસ્ટ ચાલી રહ્યા છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.આફ્રિકા સહિત યુગાન્ડા અને કોંગોમાં ઇબોલા વાયરસના કેસો સામે આવતા દુનિયાભરના દેશોને ગાઈડલાઇન આપવામાં આવી છે. તે અંતર્ગત ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને અન્ય બે લોકોને પણ સાવચેતીના ભાગરૂપે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મંત્રી પાનસેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે હાલ ભારત અથવા ગુજરાતમાં ઇબોલાનો એકપણ કન્ફર્મ કેસ નોંધાયો નથી. માત્ર કોંગોથી આવ્યા હોવાથી તેમને શંકાસ્પદ તરીકે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા અને હાલ હોમઆઈસોલેશનમાં રાખવામાં આવેલા લોકો પશ્ચિમ વિસ્તારમાં રહે છે. તેમાના એકપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.
એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.
કોઈપણ પ્રકારના લક્ષણો નથી. આરોગ્ય અધઇકારી
છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.
જો આ ત્રણ દેશમાંથી કોઈ પણ નાગરિક મુસાફરી કરીને આવે અને તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અથવા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા ન હોય તો તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય તો તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે. જો કોઈ પેસેન્જર આ દેશમાંથી મુસાફરી કરી આવ્યો હોય અને તેને લક્ષણો હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.અત્યારે કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે લોકો મુસાફરી કરી અને આવ્યા છે તેઓ યુગાન્ડાથી આવેલા છે અને તેમને હાલમાં હોમ કવોરન્ટીન રાખવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ