
જુનાગઢ, 27 મે (હિ.સ.) : રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અંદાજે રૂપિયા ૧૯.૩૧ કરોડના ૬૩૧ કામોને મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લાના પ્રભારી મંત્રી સાથે ઉર્જા રાજ્ય મંત્રી તથા જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં 8 તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૩.૭૩ કરોડના ૪૮૩ કામોને મંજૂરી આપવામાં આવી છે, જિલ્લાની ૭ નગરપાલિકા પૈકી ૫ નગરપાલિકાના રૂ. ૨.૦૭ કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે, વર્ષ ૨૦૨૪-૨૫ના ૮૭- વિસાવદર ધારાસભ્યના ફંડમાંથી રૂ.૧.૪૩ કરોડના કુલ - ૫૨ કામોને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત અન્ય બચત રકમના વિકાસ કામોને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ મંજુર થયેલા વિકાસ કામો ઝડપભેર પૂર્ણ થાય તે માટે વિકાસ કામોને પૂર્ણ કરવાની સમય અવધી નક્કી કરવા માટે પણ સ્પષ્ટ સૂચના આપી હતી. ઉપરાંત પ્રગતિ હેઠળના કામો પણ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જન સુવિધા અને જનસુખાકારીને વેગ આપતા કામોમાં સીસી રોડ, ગટર, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ નાળા પુલિયા, સબમર્સીબલ મોટર સાથે બોર, કોમ્યુનિટી હોલ, રેન બસેરા વગેરે કામોનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા આયોજન મંડળની બેઠકની પૂર્વ ભૂમિકા આપી હતી.
આ બેઠકમાં વર્ચ્યુઅલી મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડેએ જૂનાગઢવાસીઓ માટે ટ્રાફિકની સમસ્યા માટે કારણરૂપ રેલવે ક્રોસિંગ દૂર થાય તે માટે નવું ગ્રોફેડ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન ખસેડવાની મંજૂરી આપવામાં આવી છે, તેની વિગતો આપી હતી. મહાનગરપાલિકા સહિતના તંત્ર સાથે સંકલન કરીને ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી આર.એમ. ગંભીરે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિકાસ કામોના આયોજનની વિગતો આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, મેયર ધર્મેશભાઈ પોશિયા, વર્ચ્યુઅલી ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, ગોપાલભાઈ ઇટાલીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડોદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ