
સુરત, 27 મે (હિ.સ.) : ચોર્યાસી તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગામોના સ્થાનિક પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યોના ઝડપી નિકાલ માટે ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ઘણીવાર જુદા જુદા વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાલક્ષી કાર્યોમાં વિલંબ થતો હોય છે. આ વિલંબને ટાળવા અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને પરસ્પર તાલમેલ મેળવીને કામ કરવા સૂચન કર્યું હતું. સાથે જ, લાંબા સમયથી પડતર રહેલા સ્થાનિક અને ગ્રામ્ય સ્તરના પ્રશ્નોનું ટૂંક જ સમયમાં સકારાત્મક નિરાકરણ લાવવા માટે હાજર તમામ અધિકારીઓને કડક તાકીદ કરી હતી. જનપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના લોકહિતના પ્રશ્નો અંગે ઉપસ્થિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં ચોર્યાસી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ યશ્વીબેન પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, સિંચાઈ વિભાગ, ગટર વ્યવસ્થા બોર્ડ, પાણી પુરવઠા બોર્ડ, સુડા, ડીજીવીસીએલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત ગેસ, જીએસઆરટીસી, જીપીસીબી, આયોજન વિભાગ, પોલીસ, ટ્રાફિક શાખા અને આરટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે