


- વન વિભાગ દ્વારા વેકસીનેશન ટ્રીટમેન્ટ અને ડી ટીકિંગ
- હાલ 17 સિંહોને ક્વોરન્ટાઈન કર્યા છે. જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો
ગાંધીનગર,28 મે (હિ.સ.) વિશ્વભરમાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં વનરાજની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે.ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગમાં ચિંતા વધી છે. અત્યાર સુધીમાં કુલ 7 સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે અરણ્ય ભવન ખાતે PCCF ડૉ. જયપાલસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મૃત સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો સામે આવ્યા છે અને હાલ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. તેના માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે એક સપ્તાહ બાદ રિપોર્ટ આવશે.
વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટાઈન કર્યા છે. જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. હાલ વેટરનરી ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ-રાત વ્યસ્ત છે. PCCF ડૉ. જયપાલસિંહના જણાવ્યા અનુસાર, 12 ડોક્ટરોની વિશેષ ટીમ સતત સારવાર અને મોનીટરીંગ કરી રહી છે.
ગીર જંગલ વિસ્તારમાં આશરે 10 કિલોમીટરની ત્રિજિયામાં ખાસ મોનીટરીંગ હાથ ધરાયું છે. સિંહો પહેલેથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે મોટી સંખ્યામાં માનવબળ ગીર વિસ્તારમાં તૈનાત કર્યું છે.
હાલ આશરે 250 જેટલા વન વિભાગના કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલા છે, જ્યારે જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાંથી 20થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ગીર બોલાવવામાં આવ્યા છે. આમાં RFO, વનપાલ અને ફોરેસ્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ કર્મચારીઓ અગાઉ ગીરના જંગલમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી પરિસ્થિતિને સારી રીતે સમજી શકે છે અને તેથી જ તેમને ફરી ગીર ખાતે તૈનાત કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ