
બેંગલુરુ, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. તેમણે ગુરુવારે રાજભવનમાં રાજ્યપાલની ગેરહાજરીમાં તેમના સચિવને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ પહેલાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે પોતાના મંત્રીમંડળના મંત્રીઓ સાથે પોતાના નિવાસસ્થાને નાસ્તાની બેઠક (બ્રેકફાસ્ટ મીટિંગ) કરી હતી. જોકે આ બેઠક એક કલાક મોડી શરૂ થઈ હતી, કારણ કે સિદ્ધારમૈયા પોતે એક કલાક મોડા પોતાના નિવાસસ્થાને તે જગ્યાએ પહોંચ્યા હતા, જ્યાં મંત્રીઓ માટે નાસ્તાનું ટેબલ ગોઠવવામાં આવ્યું હતું. બેઠકમાં શિવકુમાર અને સિદ્ધારમૈયાએ એકબીજાને ગળે લગાવીને એકતાનો સંદેશ આપ્યો હતો અને શિવકુમારે, સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પણ લીધા હતા. સિદ્ધારમૈયાએ પોતાના તમામ સાથીઓનો આભાર માન્યો હતો. ત્યાર પછી સિદ્ધારમૈયા રાજભવન પહોંચ્યા હતા. રાજ્યપાલની ગેરહાજરીમાં સિદ્ધારમૈયાએ તેમના સચિવને પોતાનું રાજીનામું સોંપી દીધું.
આના તરત જ પછી કર્ણાટક કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) ડીકે શિવકુમારનો ફોટો શેર કરતા લખ્યું, “તે દિવસે, આજના દિવસે, હંમેશ માટે… એકતા જ આપણી શક્તિ છે ! જનસેવા જ આપણી શાશ્વત પ્રતિબદ્ધતા છે!”
એવું જણાવવામાં આવ્યું છે કે, સિદ્ધારમૈયાએ નાસ્તાની બેઠકમાં પોતાના રાજીનામાની જાહેરાત કરતા આગામી મુખ્યમંત્રી માટે ડીકે શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂકી દીધો છે. જોકે, મુખ્યમંત્રીના નામ પર ધારાસભ્ય દળની મહોર લાગવી હજુ બાકી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે, એટલે કે 29 મેની સાંજે 5 વાગ્યે બેંગલુરુની એક હોટલમાં બોલાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ