
જામનગર, 31 મે (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના કચરાના વાહનો નંબર પ્લેટ વગર રસ્તાઓ પર ફરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી મહાનગરપાલિકાની કામગીરી અને વહીવટી પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરને સ્વચ્છતા માટે નવી અત્યાધુનિક ગાડીઓ આપવામાં આવી હતી.
જોકે, આ નવી ગાડીઓ આવ્યા પછી પણ, જૂની ગાડીઓ કચરો ઉપાડવાનું કામ કરી રહી છે.સૌથી ગંભીર બાબત એ છે કે, આ જૂની ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી છે. નંબર પ્લેટ વગર વાહનો ચલાવવા પાછળનો હેતુ શું છે તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
નંબર પ્લેટ ન હોવાથી કઈ ગાડી કામ કરે છે અને કઈ નથી કરતી, તેનો હિસાબ રાખવો મુશ્કેલ બને છે.આ માત્ર વહીવટી ગેરરીતિ જ નહીં, પરંતુ સુરક્ષા સાથે પણ ચેડાં છે. ટ્રાફિક નિયમો મુજબ, કોઈપણ સરકારી કે ખાનગી વાહન નંબર પ્લેટ વગર રસ્તા પર ફરી શકે નહીં.
જો આવા નંબર વગરના વાહનો કોઈ અકસ્માત સર્જે અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય, તો તેની જવાબદારી કોની રહેશે અને પોલીસ આવા વાહનોને કેવી રીતે ટ્રેક કરશે તે મોટો પ્રશ્ન છે.
જામનગરની જનતા પોતાના ટેક્સના પૈસા સ્વચ્છતા માટે ચૂકવી રહી છે. આ મામલે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા નક્કર પગલાં લેવાય અને જવાબદારી નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt