વેરાવળ નગરમાં અત્યાધુનિક સક્શન મશીનથી ગટરોની સાફ-સફાઈ હાથ ધરાઈ
ગીર સોમનાથ, 04 મે (હિ.સ.) : જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરમાં આવેલી ગટરોમાં ભરાયેલો ઘનકચરો સરળતાથી સાફ થઈ શકે તે માટે ખાસ કિસ્સામાં ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી સ્પેશ્યિલ સીવર સક્શન મશીન લાવવામાં આવ્યાં છે, જેના દ્વારા આ
વેરાવળ નગરમાં અત્યાધુનિક સક્શન મશીનથી


ગીર સોમનાથ, 04 મે (હિ.સ.) : જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરમાં આવેલી ગટરોમાં ભરાયેલો ઘનકચરો સરળતાથી સાફ થઈ શકે તે માટે ખાસ કિસ્સામાં ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી સ્પેશ્યિલ સીવર સક્શન મશીન લાવવામાં આવ્યાં છે, જેના દ્વારા આધુનિક પદ્ધતિથી ઝડપથી ગટરનો કાંપ અને કાદવ સાફ કરી શકાય છે.

આ મશીનના કારણે ઝડપથી કામગીરી થવાના કારણે ભરાઈ ગયેલી ગટરો સાફ થવાથી સરળતાથી ગટરના પાણીનો નિકાલ થશે. આગામી સમયમાં ચોમાસાની ઋતુ દસ્તક દઈ રહી છે. તેવા સમયે વેરાવળ નગરમાં કોઈપણ જગ્યાએ પાણી ભરાય નહી અને ચોમાસામાં પાણી ભરાવાને કારણે રોગચાળો ન ફેલાય તેવા ઉદ્દાત ભાવ સાથે કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં આ વિશેષ મશીનો લાવવામાં આવ્યાં છે.

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ચોમાસાની ઋતુમાં અગવડતા ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત વૉંકળાની સાફસફાઈ, માઈનોર-મેજર બ્રિજ સ્વચ્છતાની કામગીરી, ગટર સફાઈ હાથ ધરવામાં આવી છે. તેમાં આ નવું આયામ ઉમેરાયું છે. આજે આ મશીનથી પ્રભાસપાટણ હાટ બજાર સહિતના વિસ્તારોમાં સ્પેશ્યિલ સીવર સક્શન મશીનથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હજુ જી.યુ.ડી.એમ. દ્વારા અમદાવાદથી પણ એક મશીન આવવાનું છે. જેના દ્વારા ગટર સફાઈની કામગીરી વેગવંતી બનશે.

આ અંગે જણાવતા કલેક્ટરએ કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ સફાઈની કામગીરી ચાલુ છે. જેથી વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈ તકલીફ ન પડે. આ કામગીરી હેઠળ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક આવેલું છે. જેની પણ યોગ્ય સફાઈ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

સફાઈ માટે વધુ કેપેસિટી ધરાવતા મશીનોની જરુરિયાત ઉભી થતા રાજકોટ-ભાવનગર-જૂનાગઢ મહાનગરપાલિકામાંથી સુપર સક્શન મશીનો મગાવવામાં આવ્યાં છે. જેટિંગ મશીનથી અપગ્રેડ વર્ઝન ધરાવતા આ મશીનો ડ્રેનેજમાં કચરો ભરાયેલો હોય તો આ કચરો પ્રેશરથી ખેંચીને સફાઈ કરવામાં આવતી હોય છે. જેથી ડ્રેનેજ લાઈન એકદમ ચોક્ખી થઈ જાય છે. હાલ પ્રભાસપાટણ વિસ્તારમાં આ મશીનથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા પ્રભાસપાટણની હાટબજાર વિસ્તારમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન ઉભો થયો હતો, તે વિસ્તારમાં પણ સંપૂર્ણપણે સફાઈ કરવામાં આવી છે. સફાઈ કામગીરીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ મોંઘા મશીનોની સહાય પૂરી પાડવામાં આવી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુપર સક્શન મશીનના ઉપયોગથી ગટર લાઈનોની સફાઈ કરવામાં આવે છે, તેમજ ગટરોમાં કાદવ-કચરો દૂર કરવામાં આવે છે. સક્શન બ્લોઅર જેવા મશીનોથી સજ્જ આ મશીન ઉચ્ચ દબાણથી શક્તિશાળી સક્શન ટેક્નિકનો ઉપયોગ કરે છે, જેના કારણે ઊંડી ગટરોમાંથી પણ કાદવ-કાંપ અને ઘન કચરો બહાર કાઢી શકાય છે. આ મશીનોમાં 3000 થી લઈને 10000 સુધીની સીવેજ કલેક્શન ટાંકી હોય છે.

આવતા દિવસોમાં વેરાવળ શહેર ઉપરાંત વિવિધ વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. ત્યાં પણ આ મશીન દ્વારા કામગીરી કરી ડ્રેનેજ લાઈન ચોખ્ખી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande