જામનગર ગોસાબારા કેસ : બાબરી ધ્વંસનો બદલો લેવા ઘડાયેલા આંતરરાષ્ટ્રીય કાવતરામાં 12 આરોપીઓ દોષિત
જામનગર, 04 મે (હિ.સ.) : વર્ષ 1993માં ભારતમાં આતંક મચાવવા અને અરાજકતા ફેલાવવાના ઈરાદે દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકો ઘુસાડવાના ચકચારી ટાડા કેસમાં જામનગરની સ્પેશિયલ ડેઝીગ્નેટેડ અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને
જામનગર કોર્ટ


જામનગર, 04 મે (હિ.સ.) : વર્ષ 1993માં ભારતમાં આતંક મચાવવા અને અરાજકતા ફેલાવવાના ઈરાદે દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકો ઘુસાડવાના ચકચારી ટાડા કેસમાં જામનગરની સ્પેશિયલ ડેઝીગ્નેટેડ અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા ગુજરાત સરકાર દ્વારા ખાસ નિયુક્ત કરાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તુષાર ગોકાણીની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર જજ આર.પી. મોગેરા સાહેબે 12 જેટલા આતંકીઓને દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદો આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ ગુજરાત સરકારની એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

આ સમગ્ર કેસની પૃષ્ઠભૂમિ તપાસીએ તો, 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસની ઘટના બાદ તેનો બદલો લેવા માટે દુબઈ સ્થિત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને મુસ્તુફા અહેમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુએ પાકિસ્તાન સાથે મળીને ભારત વિરુદ્ધ એક મોટું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાનો મુખ્ય હેતુ ભારતમાં કોમી રમખાણો ભડકાવવાનો અને દેશના વિવિધ ભાગોમાં આતંક મચાવવા માટે ગેરકાયદેસર હથિયારો તથા આર.ડી.એક્સ. (RDX) જેવા વિસ્ફોટકો ઘુસાડવાનો હતો. આ ગુના અંગેની ફરિયાદ 15 જુલાઈ 1993ના રોજ જામનગરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેમાં દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા ડોસા, મમુમિયાં પંજુમિયાં અને અનવર સાંભા સહિતના અનેક આરોપીઓ વિરુદ્ધ ટાડા એક્ટની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, વર્ષ 1993ની શરૂઆતમાં જામનગરના બેડી ગામનો હારૂન આદમ સંઘાર અને કચ્છના સલાયા-માંડવીના ઓસમાણ ઉમર કોરેજા તથા મામદ અલીમામદ ઉર્ફે મમદુ દુબઈમાં હતા. ત્યાં મુસ્તુફા મજનુએ તેઓને બોલાવીને 'સદા અલ બહાર' નામની પોતાની માલિકીની લોન્ચ લઈને કરાંચી નજીક સમુદ્રમાં જવાની સૂચના આપી હતી. આ લોન્ચ આધુનિક સંદેશાવ્યવહારના સાધનોથી સજ્જ હતી અને ઓસમાણ ઉમર કોરેજા તેનો કેપ્ટન હતો. કરાંચી પાસે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સીની બોટ દ્વારા આ લોન્ચમાં 150 જેટલા હથિયારો, એકે સીરીઝની રાઈફલો, હેન્ડ ગ્રેનેડ, બોમ્બ અને આર.ડી.એક્સ.નો જથ્થો ચડાવવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે આ કાવતરામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ સીધી રીતે સામેલ હતા.

મુસ્તુફા મજનુની સૂચના મુજબ, મધદરિયે બીજી બે લોન્ચ 'બિસ્મીલ્લાહ' અને 'મારવાન' સાથે હથિયારોની અદલાબદલી કરવામાં આવી હતી. ત્યારબાદ ઓસમાણ કોરેજા તેની લોન્ચમાં અડધો જથ્થો લઈને પોરબંદરના દરિયાકિનારે પહોંચ્યો હતો. ત્યાં અન્ય આરોપીઓ મહમદ કાલિયો, જુનુસ લોટો અને મમુમિયાં પંજુમિયાંએ હોડીઓ મારફતે દરિયામાંથી આ જથ્થો મેળવીને ગોસાબારાના પુલ નજીક લેન્ડિંગ કરાવ્યું હતું. આ હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો ટ્રકો મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ મિશન પૂર્ણ કર્યા બાદ આરોપીઓ દુબઈ પરત ફર્યા હતા અને મુસ્તુફા મજનુએ તેમને વતનમાં છુપાઈ જવાની સૂચના આપી હતી.

આ કેસની તપાસ વર્ષ 1993થી 2018 સુધી સતત ચાલી હતી. નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારીઓ પી.કે. ઝા, સતીષ વર્મા અને સી.બી.આઈ.ના સ્પેશિયલ ડિરેક્ટર મનોજ શશીધર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 19 હેન્ડ ગ્રેનેડ, એકે સીરીઝની રાઈફલો, હજારો જીવતા કારતૂસ અને મેગેઝીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ 46 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઈબ્રાહીમ સહિતના 15 આરોપીઓ પાકિસ્તાન અને દુબઈ નાસી ગયા હોવાથી તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન પ્રોસીક્યુશન પક્ષે કુલ 63 સાક્ષીઓની તપાસ કરી હતી.

સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી અને તેમની લીગલ ટીમની મહેનતને કારણે તમામ સાક્ષીઓએ પ્રોસીક્યુશનના કેસને સમર્થન આપતી જુબાની આપી હતી. અદાલતે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને આજે જે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ સંધાર વાઘેર, અહેમદ ઈસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી, ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર, સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિંયા સૈયદ, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે 33 વર્ષ પહેલાં નોંધાયેલા આ ગુનામાં અને 24 વર્ષ સુધી ચાલેલી તપાસ બાદ, સ્પેશિયલ પી.પી.ની નિમણૂક થતા છેલ્લા ચાર વર્ષમાં ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન આરોપીઓએ સર્વોચ્ચ અદાલતમાં વિવિધ અરજીઓ કરીને કેસમાં વિલંબ કરવાના પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ અંતે ન્યાયની જીત થઈ છે. ગુજરાતની ધરતી પરથી આતંકવાદી પ્રવૃત્તિઓને નેસ્ત-નાબૂદ કરવાની સરકારની કટિબદ્ધતા આ ચુકાદા દ્વારા સાબિત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande