
ગાંધીનગર, 04 મે (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં મહિલાઓ માટે સુરક્ષા અને સહાયનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલું ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ફરી એક વખત સંવેદનશીલ કામગીરીથી ચર્ચામાં આવ્યું છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી આ યોજના અંતર્ગત, સેક્ટર-12 સ્થિત સેન્ટરે એક માનસિક અને શારીરિક હિંસાનો ભોગ બનેલી યુવતીને સમયસર સહાય પૂરી પાડી તેને નવી આશા આપી છે.
22 એપ્રિલ 2026ની રાત્રે 181 અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે 27 વર્ષીય સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ડરેલી હાલતમાં પહોંચી હતી. યુવતી અત્યંત ભયભીત સ્થિતિમાં હતી અને તેના શરીર પર મારપીટના નિશાન જોવા મળ્યા હતા. શરૂઆતમાં કોઈ માહિતી આપવા તૈયાર ન રહેલી યુવતીને સેન્ટર દ્વારા આશ્રય અને આરામની સુવિધા આપવામાં આવી.
બીજા દિવસે સવારે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, પરિવારજનો સાથેના મતભેદને કારણે ઝઘડો થયો હતો. પાંચ વર્ષ અગાઉ થયેલી સગાઈ અને લગ્નમાં વિલંબને લઈને પરિવારજનો વચ્ચે તણાવ વધતો ગયો હતો, જે અંતે હિંસામાં ફેરવાયો. ઝઘડામાં યુવતીને ઈજા પહોંચી હતી, જેમાં હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાતા નિદાન થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અને એક્સ-રે કરાવવામાં આવ્યા.
સેન્ટર દ્વારા યુવતીને માનસિક સહારો આપવા સાથે તબીબી, કાઉન્સેલિંગ અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવી. યુવતીના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ શરૂઆતમાં માતાએ કોઈ સહકાર આપ્યો નહોતો અને યુવતી વિશે માહિતી મેળવવાનું પણ નકારી દીધું. બે દિવસ સુધી પરિવાર તરફથી કોઈ સંપર્ક ન થતાં યુવતીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જેમાં સેન્ટરે જરૂરી પોલીસ સહાયતા આપી.
આ ઘટનાની જાણ યુવતીના મામાને થતાં તેઓ 6 દિવસ બાદ સેન્ટર પર આવ્યા અને પરિવારને સમજાવી યુવતીના લગ્ન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી. વિશ્વાસ વ્યક્ત કરતાં યુવતીને તેઓ પોતાની જવાબદારી પર ઘરે લઈ ગયા.
આ સમગ્ર ઘટનામાં સખી વન સ્ટોપ સેન્ટરે યુવતીને આશ્રય, તબીબી સારવાર, કાઉન્સેલિંગ, પોલીસ સહાયતા અને કાયદાકીય માર્ગદર્શન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કેન્દ્ર મહિલાઓ માટે સંકટ સમયે સાચો સહારો બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ