
પાટણ, 04 મે (હિ.સ.)ઝાલોરના એક વર્ષીય રિયાંશ તાવિયાડને તાવ, ઉધરસ અને શરદી બાદ અચાનક શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવા લાગી હતી. સ્થિતિ બગડતાં તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તાત્કાલિક મેડિકલ ટીમે શ્વાસ સહાય પૂરી પાડી હતી.
બાળકની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU) માં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને ઇન્ટ્યુબેટ કરીને મિકેનિકલ વેન્ટિલેશન પર રાખવામાં આવ્યો અને સતત મોનિટરિંગ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી.
સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ જટિલ બની ‘શોક’ ની સ્થિતિ વિકસી હતી. તાત્કાલિક ઇનોટ્રોપિક સપોર્ટ સાથે બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ આપવામાં આવી, જેથી ચેપને નિયંત્રિત કરવામાં આવ્યો.
ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ બાદ રિયાંશની તબિયતમાં સુધારો જોવા મળ્યો. તેને સફળતાપૂર્વક એક્સ્ટ્યુબેટ કરીને હાઈ ફ્લો નેસલ કેન્યુલા (HFNC) પર રાખવામાં આવ્યો અને પછી ધીમે ધીમે ઓક્સિજન સપોર્ટમાંથી મુક્ત કરવામાં આવ્યો.
પંદર દિવસની સઘન સારવાર બાદ અને ‘સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન’ (SAM) માટે વિશેષ પૌષ્ટિક સારવાર આપ્યા પછી રિયાંશ સંપૂર્ણ સ્વસ્થ થયો અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ