
જામનગર, 04 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10 ના રોજ ગુજરાતના પ્રવાસે આવે છે તેવી શક્યતા વચ્ચે જામનગર જિલ્લામાં પણ આ પ્રવાસ દરમિયાન રાત્રી રોકાણ કરવાની સંભાવનાઓને લઇને પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ પણ વડાપ્રધાનના કાર્યક્રમની વાતને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસના કાર્યોના ઉદ્ઘાટન, જાહેરસભાઓ અને સરકારી કાર્યક્રમો જોડાયેલ હોવાનું જાણવા મળે છે. ત્યારે જામનગરમાં પણ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી શકે છે. જો કે જામનગરમાં રાત્રી રોકાણની સંભાવના કારણે આ પ્રવાસને મહત્વ મળ્યું છે. જામનગર શહેરમાં વડાપ્રધાનનું રાત્રી રોકાણ થવું તે રાજકીય રીતે મહત્વનું ગણાય છે.
આ સંભવિત મુલાકાતને ધ્યાને રાખીને જામનગર જિલ્લા પ્રશાસન, અન્ય વિવિધ સુરક્ષા એજન્સીઓ, પોલીસતંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો, એરપોર્ટ વિસ્તાર, હોટલ્સ તેમજ સંભવિત કાર્યક્રમના સ્થળ ઉપર સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા ચુસ્ત બનાવાઇ છે. વીવીઆઇપી મોમેન્ટને ધ્યાનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, પાર્કિંગ ઝોનની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર જિલ્લાના સંભવિત પ્રવાસને ધ્યાને લઇ તંત્ર દ્વારા વિકાસના દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે.
સત્તાવાર કાર્યક્રમની જાહેરાત હવે થશે. તેઓ આ પ્રવાસ દરમિયાન જામનગરમાં રાત્રી રોકાણની સંભાવના પણ દર્શાવેલ છે. જેને લઇને શહેરમાં બહુસ્તરીય સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજકીય રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આ મુલાકાત મહત્વની ગણી શકાય. આ મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્યમાં ચાલી રહેલાં વિકાસના કાર્યોની પણ સમીક્ષા કરે તેવું જાણવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt