
જામનગર,04 મે (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ગેરકાયદેસર દબાણો સામે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી સરકારી જમીન પર મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને અંદાજે 1,20,000 ચોરસ ફુટ સરકારી જગ્યા ખુલી કરાવાઈ છે.
હાપા વિસ્તારમાં શહેરી ગરીબો માટે આવાસ હેતુસર ફાળવવામાં આવેલી અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર લગભગ 16 જેટલા આસામીઓ દ્વારા કોમર્શિયલ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા. આ જમીનની અંદાજિત બજાર કિંમત 45 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ આસામીઓને નોટિસ પાઠવી સમયમર્યાદા આપવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ સવારે અંદાજે 08ઃ00 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના આસીસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિક્યુરિટી અધિકારી અનવર ગજજણની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ જેવી કે એસ્ટેટ શાખા,, ફાયર બ્રિગેડ, સ્લમ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ, લાઈટ શાખા વેગેરે સાથે મળીને અંદાજે 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
મશીનરી અને સાધનોનો ઉપયોગ કરવાની વાત કરીએ તો મોટા પાયે ડિમોલેશન માટે 6 જેસીબી મશીનો અને હિતાચી, 6 ટ્રેક્ટર, લાઇટ શાખાના વાહનો તથા અન્ય મોયી ટ્રેકટર ટ્રોલી સાથે ના સહાયક સાધનો વગેરે મશીનરીની મદદથી તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી જમીન સંપૂર્ણ રીતે કબજામુક્ત કરવામાં આવી હતી.
રવિવારે સવારથી શરૂ થયેલી આ કામગીરી દરમિયાન તમામ 16 આસામીઓના દબાણોને દૂર કરી સમગ્ર વિસ્તાર સાફ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં હડકંપ મચી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરમાં આવા દબાણો સામે આવનારા સમયમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt