
- અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી.
અમદાવાદ, 04 મે (હિ.સ.) : રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ 15 મહનગરપાલિકા માં વિજયી થઈ. અમદાવાદ મહનગરપાલિકાની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું છે.
કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પના કોડેકરે બોગસ એલસી રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. કલ્પના સૂરજભાઈ નવલેકર નામથી બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું હતું. ચિરાગ શાહ નામના ફરિયાદીએ જિલ્લા શિક્ષણાધિકારીને કલ્પનાબેનના એલસીની તપાસ કરવા ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે તપાસ કરતા એલ.સી બોગસ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જીઆર નંબર પર અન્ય વ્યક્તિનું નામ હોવાનું ખૂલ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.
ચિરાગ શાહ નામના ફરિયાદીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી કે કલ્પનાબેન દ્વારા બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું છે.
જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. તેમજ તપાસ રિપોર્ટ આવ્યા બાદ એલસી બોગસ હોવાનું સામે આવ્યું છે. તેમજ શાળા સંચાલક દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે બોગસ એલસી રજૂ કરી બોગસ સહી પણ કરવામાં આવી છે.
કલ્પના નવલેકરએ કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હોવાનું એલસી રજૂ કર્યું હતું. જીઆર 1248 અને એલ.સી નંબર 3194થી રજૂ કરાયું હતું. ફરિયાદને આધારે તપાસ કરતા LC ખોટું હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરતા જીઆર નંબર અને એલસી નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ હોવાનું સામે આવ્યું છે. ખોટી એલસી રજૂ કરી કોઈએ ડુપ્લીકેટ સહી કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ચિરાગ શાહ દ્વારા કચેરી ખાતે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં એલસી બોગસ હોવાની તેમને રજૂઆત કરી હતી. કલ્પના નવલેકરની એલસી બોગસ હોવાની અમને ફરિયાદ મળી હતી. કૃષ્ણનગર વિદ્યાવિહાર શાળામાંથી સૈજપુર બોઘાથી 1990માં શાળા છોડી છે તે પ્રકારનો એલસીનો આધાર મુકેલ હતો. જેમાં જીઆર નંબર 1248 અને એલસી નંબર 3194 હતો. જેની ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ શાળા સંચાલકોને સાથે રાખી તપાસ કરતા એલસી શાળામાંથી રજૂ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, બોગસ એલસી પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોવાનું સામે આવ્યું હતું. જેને ધ્યાને લઈ સદર શાળાના આચાર્યને અને સંચાલકોને કલ્પનાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કલ્પનાબેન કોંગ્રેસ પક્ષના કુબેરનગરના જીતેલા ઉમેદવાર છે. જોકે હવે પોલીસ ફરિયાદ થયા બાદ વધુ હકીકત સામે આવશે. જી આર નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ જોવા મળ્યું છે. વર્ષની અને સમયની ચકાસણી કરતા આવી કોઈ વ્યક્તિ એ સમયે શાળામાં અભ્યાસ કરતી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ