
જામનગર, 04 મે (હિ.સ.) : જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 20 રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી ફ્રુટની લારી ચલાવતા વૃદ્ધની હત્યા અને અનૈતિક સંબંધમાં નેપાળી યુવાનની હત્યાની ઘટના તાજી છે ત્યાં આજે ફરી શહેરના સુભાષ બ્રિજ નજીક નદીના કાંઠેથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. જે મામલે પોલીસે દોડી જઇ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમાં સુભાષ બ્રિજ નજીક આજે વહેલી સવારે એક પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. આથી સીટી એ ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી પોલીસ દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આધેડનું નામ ઇસ્માઇલભાઇ હારુનભાઈ કેર (ઉ.વ. 56) હોય અને તે જોડિયા ભુંગા નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મૃતક યુવાન માછલીના વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના પુત્ર એ સ્થળ પર આવીને પોતાના પિતાની ઓળખ કરી આપી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આથી હત્યાની દિશામાં પોલીસે તપાસ આરંભી છે. સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ ઇસ્માઈલભાઈ આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બહાર નીકળ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં શુભાશ બ્રિજ નજીક આવેલા કબ્રસ્તાન પાસેથી તેમનો મૃતદેહ મળતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt