
નવી દિલ્હી, 06 મે (હિ.સ.)। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ, ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના પ્લેઓફ મુકાબલાનું શિડ્યુલ જાહેર કર્યું છે. રોમાંચક લીગ તબક્કા બાદ હવે ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ક્વોલિફાયર મેચો ધર્મશાળા અને ચંદીગઢમાં રમાશે.
70 મુકાબલાવાળા લીગ તબક્કા બાદ ટોચની ચાર ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવશે. પ્રથમ ક્વોલિફાયર 26 મે ના રોજ ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાશે, જેમાં પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો સામસામે ટકરાશે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 27 મે ના રોજ ન્યૂ ચંદીગઢના નવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એલિમિનેટર મુકાબલો રમાશે, જેમાં ત્રીજા અને ચોથા સ્થાનની ટીમો ટકરાશે. આ જ મેદાન પર 29 મે ના રોજ બીજો ક્વોલિફાયર યોજાશે, જ્યાં પ્રથમ ક્વોલિફાયરમાં હારનારી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવા માટે મુકાબલો કરશે.
ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સીઝનમાં પ્લેઓફ મુકાબલા વિશેષ પરિસ્થિતિઓને કારણે ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજિત કરવામાં આવશે. અગાઉ ફાઈનલ મેચ બેંગલુરુમાં યોજાવાની હતી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય કારણોસર તેને અમદાવાદમાં ખસેડવામાં આવી છે.
પ્લેઓફ કાર્યક્રમ:
ક્વોલિફાયર 1 – 26 મે – ધર્મશાળા
એલિમિનેટર – 27 મે – ન્યૂ ચંદીગઢ
ક્વોલિફાયર 2 – 29 મે – ન્યૂ ચંદીગઢ
ફાઈનલ – 31 મે – અમદાવાદ.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ