
ભાવનગર, 13 જૂન (હિ.સ.) : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) રામાશ્રય પાંડેએ ભાવનગર અને રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા સંસદીય મતવિસ્તારોના સાંસદો સાથે રાજકોટમાં એક બેઠક યોજી હતી. સૌપ્રથમ મહાપ્રબંધક પાંડે દ્વારા ઉપસ્થિત સાંસદોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ભાવનગર તેમજ રાજકોટ ડિવિઝનમાં નવીનતમ મુસાફર સુવિધાઓ અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન સાંસદો દ્વારા તેમના વિસ્તારની રેલવેને લગતી સમસ્યાઓ, પ્રોજેક્ટ્સ, ટ્રેનોના સ્ટોપેજ, નવી ટ્રેનો શરૂ કરવા તેમજ ટ્રેનોના રૂટ લંબાવવા, ટ્રેનોના ફેરા વધારવા અને માળખાકીય પ્રોજેક્ટ્સને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને મૂલ્યવાન સૂચનો આપવામાં આવ્યા હતા.
ભાવનગર અને રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રના કુલ 6 સાંસદોએ આ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં પરષોત્તમભાઈ રૂપાલા, પૂનમબેન માડમ, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા તેમજ રાજેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ સુતરીયા સામેલ હતા. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા મામલા અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના પ્રતિનિધિ અને સાંસદ ચંદુભાઈ શિહોરાના પ્રતિનિધિ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભાવનગરના મંડળ રેલ પ્રબંધક (ડિવિઝનલ રેલવે મેનેજર - DRM) દિનેશ વર્મા, રાજકોટના મંડળ રેલ પ્રબંધક (ડિવિઝનલ રેલવે મેનેજર - DRM) ગિરિરાજ કુમાર મીના અને પશ્ચિમ રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નાયબ મહાપ્રબંધક (જનરલ) ઉજ્જવલ દેવે કર્યું હતું.
બેઠક દરમિયાન, મહાપ્રબંધક પાંડેએ સાંસદોને હાલમાં ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે પોતાના કાર્યક્ષેત્ર અંતર્ગત વિવિધ મુસાફર સુવિધાઓ પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહી છે. સાંસદોએ પણ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને આ ડિવિઝનોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સકારાત્મક પ્રગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ